અંબાજીઃ અંબાજીના ઈતિહાસમાં કદાચ આવું પહેલી વખત બન્યું છે કે ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય એક સાથે આવીને કોઈ એક મુદ્દા પર એક જ પ્રકારનો વિચાર ધરાવીને સાથે જ કાર્યક્રમ કર્યો હોય. અંબાજીમાં આજે ભારતીય જનતા પાર્ટી (ભાજપ), કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) દ્વારા મોરબીમાં બનેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાથના કરાઈ હતી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
ADVERTISEMENT
ઠેરઠેર યોજાયા શ્રદ્ધાંજલિ કાર્યક્રમો
મોરબીની મચ્છુ નદી પરના ઝુલતા પુલ પર રવિવારે સાંજે લોકો ફરવા આવ્યા હતા ત્યારે અચાનક બ્રિજ તૂટી પડતા લોકો પાણીમાં ખાબક્યા હતા. અકસ્માતમાં લગભગ 145 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા, ઘણા ઘાયલો હજુ પણ સારવાર હેઠળ છે, તો ઘણા લોકોનો બચાવ થયો છે. આ ઘટના પછી ગતરોજથી જ ઠેરઠેર ગુજરાતમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમો થયા હતા. ગુજરાતના અરવલ્લી, નર્મદા, ગીર સોમનાથ, સહિત ઘણા જિલ્લાઓ અને તાલુકાઓમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને મૃતકોને ન્યાયની માગણી સાથે કેન્ડલ માર્ય યોજાઈ હતી.
પરશુરામ મહાદેવ ખાતે યોજાયો કાર્યક્રમ
આવી જ રીતે આજે મંગળવારે અંબાજીના ઈતિહાસમાં કદાચ પહેલી વખત આવું બન્યું હશે કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા સાથે મળીને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અહીં આવેલા પરશુરામ મહાદેવ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. હાથમાં મીણબત્તી અને બેનર સાથે તેમણે શ્રદ્ધાંજલિ આપી હતી.
(વીથ ઈનપુટઃ શક્તિસિંહ રાજપૂત, અંબાજી)
ADVERTISEMENT