અમદાવાદ: રાજ્યમાં અચાનક વધી રહેલા હાર્ટ એટેકના બનાવોથી અચાનક યુવાઓનું પ્રાણ પંખેરું ઉડી રહ્યું છે. ક્યારેક ક્રિકેટના મેદાનમાં તો ક્યારેક ઘરમાં જમતા જમતા હાર્ટ એટેક આવતા યુવાનો ઢળી પડે છે. આ વચ્ચે અમદાવાદ ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે, જેની ચારેય બાજુ પ્રશંસા થઈ રહી છે. એક્ટિવા ચાલકને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા પોલીસે રોડ પર જ CPR આપીને તેનો જીવ બચાવી લીધો હતો.
ADVERTISEMENT
કાલુપુરમાં એક્ટિવા ચાલકને છાતીમાં દુઃખાવો શરૂ થયો
શહેરના કાલુપુર સર્કલ પર મંગળવારે ટ્રાફિક પોલીસ ફરજ બજાવી રહી હતી. આ દરમિયાન રફીક અબ્દુલ હમિદ શેખ નામના એક એક્ટિવા ચાલક પોલીસ ચોકી પાસે આવ્યા અને અચાનક છાતીમાં ખુબજ દુ:ખાવો થતો હોવાની ફરિયાદ કરવા લાગ્યા. જે બાદ ત્યાં હાજર પોલીસ જવાનોએ 108ને ફોન કરીને જાણ કરી હતી. આ દરમિયાન ટ્રાફિક જવાનોએ પોતે યુવકને CPR આપીને તેનો જીવ બચાવી લીધો હતો.
હાલમાં કેવી છે વાહન ચાલકની તબિયત?
આ બાદ 108 એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી હતી અને એક્ટિવા ચાલકને પ્રાથમિક સારવાર આપી હતી. આ બાદ તેને વધુ સારવાર માટે શારદાબેન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની વધુ સારવાર બાદ હાલમાં તેમની તબિયત સારી હોવાનું જણાવાયું છે.
ADVERTISEMENT