રાજકોટ: રાજકોટમાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. જેમાં કેરીના બોક્સના ભાવતાલને લઈને બબાલ થઈ જતા વપારીએ ગ્રાહકની માર મારીને તેની આંખ ફોડી નાખી હતી. સ્થિતિ એવી બની કે ગ્રાહકને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવો પડ્યો અને તેની આંખનું ઓપરેશન કરવું પડ્યું. ત્યારે સમગ્ર મામલે ગ્રાહકે વેપારી સામે ગ્રાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
ગ્રાહકે 700નું બોક્સ 500માં માગ્યું હતું
વિગતો મુજબ, 53 વર્ષના વૃદ્ધ રૈયાધારમાં રૂડીમા ચોક પાસે રહે છે અને સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. ગુરુવારે તેઓ તેમના દોહિત્રનું વેકેશન હોવાથી બહાર નીકળ્યા હતા. ત્યારે સાંજે ઘરે જતા રૈયા રોડ પર આવેલા સદગુરુ કોમ્પલેક્ષમાં કેરીના વેપારી પાસેથી કેરી ખરીદવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે કેરીના બોક્સનો ભાવ પૂછતા વેપારીએ રૂ.700 કહ્યો હતો. જોકે વૃદ્ધ પાસે માત્ર 500 રૂપિયા હોવાથી તેમણે 500માં આપવા કહ્યું હતું.
કેરી લેવાની ના પાડતા કર્યો હુમલો
બાદમાં વેપારીએ છેલ્લે 600 રૂપિયા કહેતા વૃદ્ધ ત્યાંથી આગળ વધી ગયા હતા. એવામાં વેપારી અન્ય બે અજાણ્યા ઈસમ સાથે વૃદ્ધની પાછળ ગયો અને તેમને કહ્યું, 500માં લઈ લો કેરીનું બોક્સ. ત્યારે જવાબમાં વૃદ્ધે, હું ચેક કરીને લઈ જઈશ. એમ કહેતા આ લોકો ઉશ્કેરાઈ ગયા અને વૃદ્ધ સાથે બોલાચાલી કરીને માર મારવા લાગ્યા હતા. જેમાં છાતી અને પીઠના ભાગે વૃદ્ધને માર વાગ્યો હતો તથા ડાબી આંખમાં પણ ઢીકો મારતા તેમાં દેખાતું ઓછું થઈ ગયું હતું. આથી તેમણે 100 નંબર પર પોલીસને ફોન કર્યો હતો.
એક આંખે દેખાતું ઓછું થયું
વૃદ્ધને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં આંખ વિભાગમાં તેમની તપાસ બાદ ડોક્ટરે તેમની ડાબી આંખની રોશની પાછી આવવાની શક્યતા નહીવત હોવાનું જણાવ્યું હતું. ત્યારે વૃદ્ધે કેરીના વેપારી સહિત અન્ય બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT