આ છે ગુજરાતના સૌથી ગરીબ ઉમેદવારોઃ મિલકત માત્ર રૂ. 1000થી 15000 સુધીની

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે વિવિધ બેઠકો પર થવાની છે જેના પરિણામ 8 ડિસેમ્બરે આવશે. આ ચૂંટણીમાં 1600 કરતા વધુ ઉમેદવારોએ…

gujarattak
follow google news

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે વિવિધ બેઠકો પર થવાની છે જેના પરિણામ 8 ડિસેમ્બરે આવશે. આ ચૂંટણીમાં 1600 કરતા વધુ ઉમેદવારોએ જીત માટે મહેનત શરૂ કરી છે. અત્યાર સુધી ઉમેદવારોના આવક, સોના, દેવા સહિતની માહિતીઓ આપે મેળવી છે. પણ શું આપ એવા ઉમેદવારો અંગે પણ જાણો છો કે જેઓ માત્ર 1000 થી 15000 સુધીની કુલ મિલકતો ધરાવે છે. તો આવો જાણીએ ગુજરાતની આ વિધાનસભા ચૂંટણી દરમિયાનના પ્રથમ તબક્કાના સૌથી ગરીબ ઉમેદવારો અંગે. આ વિગતો તેમણે દર્શાવેલી એફિડેવિટ્સને આધારિત છે.

સૌથી વધુ ગરીબ છે વ્યારા બેઠકના આ ઉમેદવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોએ પોતાની એફિડેવીટ રજૂ કરવાની હોય છે. આ વખતે જેટલા પણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા અને તેમાંથી જેટલાના પણ માન્ય રહ્યા તે પૈકીના દસ એવા ઉમેદવારો અંગે આપણે હવે જાણકારી મેળવશું કે જેમની કુલ મિલકત, જીવન પુંજી જે પણ કહો તે માત્ર નજીવી રકમ છે. કદાચ ઘણાઓની તો મહિનાની આવક છોડો ખર્ચાને પણ તે પહોંચી ન શકે તેવી છે. આ નેતાઓ પોતાના ફાઈનાન્શીયલ સ્ટેટસ સાથે જેટલું ઝઝુમી રહ્યા છે તેટલું જ ચૂંટણી જંગમાં પણ ઝઝુમી રહ્યા છે. આ લિસ્ટમાં સૌથી પહેલુ નામ આવે છે બીએસપી (બસપ) પાર્ટીના વ્યારાની અનામત બેઠકના ઉમેદવાર રાકેશ ગામિતનું જેમની પાસે માત્ર 1000 રુપિયાની કુલ મિલકત છે. તે પછીના તમામ ઉમેદવારો અપક્ષ ઉમેદવારો છે કે જેમની મિલકત ઘણી ઓછી છે. ઉલ્લેખનીય છે કે આ લિસ્ટમાં તમને ખાતરી જ છે તેમ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બીટીપી, એઆઈએમઆઈએમ સહિતની અન્ય જાણીતી પાર્ટીઓના એક પણ નેતાનું નામ નથી સિવાય કે બીએસપીના રાકેશ ગામિત.

10 હજારથી પણ ઓછી મિલકત છે આ ઉમેદવારોની
બાકીના નવ ઉમેદવારો કઈ બેઠકના છે અને તેમના નામ શું છે તે સહિતની વિગત પર નજર કરીએ તો, ભાવનગર દક્ષિણ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરતા જયાબેન બોરીચા કે જેમની કુલ મિલકત 3000 છે, સુરત ઈસ્ટ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર સમિર શેખ કે જેમની કુલ મિલકત 6500 છે. ગાંધીધામ એસસી બેઠકના ઉમેદવાર જીજ્ઞાસાબેન સોંદરવા કે જેમની પાસે 7000 રૂપિયાની કુલ મિલકત તેમણે ચૂંટણી પંચ સમક્ષ દર્શાવી છે. આ પછી પાંચમા સ્થાન પર લીંબાયત બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરતા રાશીદ શેખનું નામ આવે છે જેમની પાસે કુલ રૂપિયા 8000ની મિલકત છે. આ હતા 10 હજાર કરતા પણ ઓછી મિલકત ધરાવતા ઉમેદવારો. આવો હવે જાણીએ 10 હજાર કરતાં વધુ અને 15 હજાર સુધીની મિલકતમાં સમાવી જતા અન્ય ઉમેદવારો અંગે.

10000થી વધુ અને 15000 સુધીની મિલકત ધરાવતા ઉમેદવારો
આ પછી 10000 રૂપિયાની કુલ મિલકત ધરાવતા જંબુસર બેઠકના અપક્ષ ઉમેદવાર સુરેશ પરમારનું નામ આવે છે. તે પછી સાતમા ક્રમે આવે છે ભાવનગર વેસ્ટ બેઠક પર અપક્ષ ઉમેદવારી કરતા સવિતાબેન સોલંકીનું, તેમની પાસે કુલ 12000ની મિલકત છે. તે બાદ આઠમા ક્રમ પર સુશિલા બેન મનસુરીનું નામ પણ છે, ભરુચ બેઠક પરથી તેઓ અપક્ષ લડી રહ્યા છે અને તેમની કુલ મિલકત 14000ની છે. જે પછી નવમા સ્થાન પર સુરત નોર્થ વિધાનસભા બેઠક પરથી અપક્ષ લડી રહેલા આરજુબી શાહ પાસે 15000ની કુલ મિલકત છે. દસમા સ્થાન પર રહેલા સુરતની લીંબાયત બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરી રહેલા વધુ એક ઉમેદવાર સાબિરાબીબી શેખ પાસે પણ 15000 ની કુલ મિલકત છે. આમ ઉપરોક્ત વિગતો જે આપણે જાણી તેમાં દસમાંથી છ ઉમેદવારો મહિલાઓ છે.

    follow whatsapp