સંજયસિંહ રાઠોડ/સુરત: ટામેટાના આસમાન પહોંચી ગયેલા ભાવો લોકોને હેરાન કરી રહ્યા છે. શાકભાજી માર્કેટમાં ટામેટા 150 થી 200 રૂપિયા કિલો સુધી વેચાઈ રહ્યા છે. શાકભાજીમાં જો તમે ટામેટા ખાવાના શોખીન હોવ તો આ દ્રશ્યો જોઈને તમે ચોક્કસ પણે ટામેટાથી નફરત કરતા થઈ જશો. ટામેટાની મોંઘવારી વચ્ચે કચરા ભરેલા ટ્રેક્ટરમાંથી ટામેટા કેરેટમાં ભરતા બે વ્યક્તિ નજરે પડી રહ્યા છે. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને કહેવાય રહ્યું છે કે આ વિડીયો સુરત શહેરના કોઈ વિસ્તારનો છે.
ADVERTISEMENT
કચરો ભરેલા ટ્રેક્ટરમાંથી ટામેટા વીણી ગયા
સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા આ વીડિયોમાં આપ જોઈ શકો છો કે એક ટ્રેક્ટર ઊભું છે અને ટ્રેક્ટર ચાલક એની સીટ પર બેઠો છે. ત્યારે બે જણા ટ્રેક્ટરની ટ્રોલીમાંથી કચરામાં ફેંકી દીધેલા ટામેટા ભેગા કરીને કેરેટમાં ભરી રહ્યા છે. કચરામાંથી ટામેટા ભરતો ઇસમ એક ટ્રોલીમાં ઉભો છે જ્યારે બીજો ઈસમ ટ્રોલીની નીચે કેરેટ પકડી રહ્યો છે. આ દ્રશ્ય જોઈને આપ ચોક્કસપણે વિચારતા હશો કે કચરા ભરેલા ટ્રેક્ટરની ટ્રોલીમાંથી આ ટામેટા શાકભાજીવાળા ક્યાંક તમારી થાળી સુધી નથી પહોંચાડી રહ્યા છે ને? અને જો તમે ટામેટા ખાવાના શોખીન હો તો હવે સાવધાન થવાની જરૂર છે. શાકભાજી માર્કેટમાંથી કચરા પેટીમાં ફેંકવામાં આવેલા ટામેટા ફરીથી કચરા ભરેલા ટ્રેક્ટરમાંથી કેરેટમાં ભરાઇ રહ્યા છે.
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં
કચરા ભરેલા ટ્રેક્ટરમાંથી કેરેટમાં ભરવામાં આવતા આ ટમેટા ફરીથી ચોક્કસપણે માર્કેટમાં વેચાવા લઈ જવામાં આવતા હશે અને એ જ ટમેટા લોકોની થાળી સુધી પહોંચતા હશે. એટલે એમ કહી શકાય કે આ ટામેટા વેચનારા લોકો સીધી રીતે લોકોની સ્વાસ્થ્ય સાથે સાથે ચેડાં કરી રહ્યા છે. આ વિડીયો કોઈ મહિલાએ દ્વારા ઉતારવામાં આવ્યો છે. વીડિયોમાં મહિલાઓનો આવાજ સાંભળી શકાય છે અને જે ગુજરાતી ભાષામાં બોલે છે. વિડીયો સુરત શહેરના કોઈપણ વિસ્તારનો હોઈ શકે છે અને જો સુરતના કોઈ વિસ્તારનો આ વિડીયો હોય તો સુરત મહાનગરપાલિકા અને જવાબદાર તંત્રએ આ વીડિયોની ખાતરી કરીને આવી હરકત કરવા વાળા લોકો સામે પગલા ભરવા જોઈએ.
ADVERTISEMENT