ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ રાજ્ય સરકારે ST બસ પોર્ટ તેમજ તેની આસપાસના શૌચાલય ફ્રી કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે પે એન્ડ યુઝ શૌચાલયમાં કોઈપણ પ્રકારનો ચાર્જ નહીં વસુલવાની જાહેરાત કરી છે. વાહનવ્યહાર મંત્રી હર્ષ સંઘવીએ આ અંગેની જાહેરાત કરી છે. આ નિર્ણયથી રાજ્ય સરકાર દર મહિને થતી આશરે રુપિયા 10 લાખની આવક જતી કરશે.
ADVERTISEMENT
સ્વચ્છતા અભિયાનની શરૂઆત
હર્ષ સંઘવીએ કહ્યું કે, એસટી નિગમના 25 લાખથી વધુ પરીવારજનો અને યાત્રા કરનારા લોકો માટે આજે મહત્વનો દિવસ છે. આજથી સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આજે લોકો ‘એસટી અમારી સલામત સવારી’ની સાથે “આવી દાદાની સવારી એસટી અમારી” કહે છે. એસટી વિભાગે અનેક નવી બસ અને નવા રુટ શરુ કર્યા છે. હવે સ્વચ્છ મુસાફરીનું અભિયાન છે. 125 જગ્યાઓ પર 550થી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ બસ સ્ટેશન અને બસની સફાઈ કરશે.
બસોમાં ડસ્ટબીન મુકાશેઃ હર્ષ સંઘવી
તેમણે કહ્યું કે, આવનારા 10 દિવસમાં તમામ બસોમાં ડસ્ટબીન મુકાશે. કલર કામ જરુરી છે તેવા 516 વાહનો 100 દિવસમાં તૈયાર થશે. 481 બસોમા સીટ રીપેરિંગ અંગે અમને ફરિયાદ આવી છે. આ કામ 15 દિવસમાં કરાશે.
ડ્રાઈવરોને હર્ષ સંઘવીની ટકોર
એસટી બસના ડ્રાઈવરોને હર્ષ સંઘવીની ટકોર કરતા કહ્યું કે, ડ્રાઈવરના કાચ પર પાન મસાલાની પીચકારીના ડાઘ વધારે હોય છે. આવું હવે ન દેખાય એવું કરીએ. લોકો પાસે અપેક્ષા રાખીએ તો પહેલા આપણે સ્વચ્છતા રાખીએ.
કોન્ટ્રાક્ટરર્સને નોટિસ પાઠવીને છુટા કરાશે
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ST બસ પોર્ટ તેમજ તેની આસપાસના શૌચાલય ફ્રી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. આ માટે રાજ્યના તમામ બસ પોર્ટના પે એન્ડ યુઝ કોન્ટ્રાક્ટરર્સને નોટિસ પાઠવીને છુટા કરવામાં આવશે અને બાદમાં શૌચાલયને ફ્રી કરવામાં આવશે. રાજ્યના તમામ બસ પોર્ટ પર શૌચાલય ફ્રી કરવાના નિર્ણયનો માર્ચ મહિના બાદ અમલ કરવામાં આવશે. હવેથી બસ પોર્ટ પર 24 કલાક સફાઈકર્મીઓને હાજર રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.
મુસાફરો પાસેથી લેવાશે ફિડબેક
બસ સ્ટેશન સ્વચ્છ રાખવાના અલગ અલગ પેરામીટર નક્કી કરાયા છે. બસ સ્ટેશન સફાઈ, લાઈટ ચાલુ છે કે કેમ, બેઠક વ્યવસ્થા યોગ્ય છે કે કેમ? આવી બાબતોની ઓનલાઇન ફિડબેક મુસાફરો પાસેથી લેવાશે. કયુઆર કોડ સ્કેન કરી માહિતી આપી શકાશે.
(વિથ ઈનપુટ દુર્ગેશ મહેતા)
ADVERTISEMENT