Bharuch Suicide Case: ભરૂચની વિલાયત GIDC માં આવેલી બિરલા ગ્રાસિમ (Grasim Industries Ltd) કંપનીની કેન્ટિંગની પાછળ આવેલા રૂમમાં ગળેફાંસો ખાઈ કર્મચારીએ જીવન ટૂંકાવતા ચકચાર મચી ગઈ છે. પોલીસને કર્મચારીના રૂમમાંથી એક સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં કર્મચારીએ કંપનીના ઉપરી અધિકારીના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું હોવાનું જણાવ્યું છે. હાલ પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
કંપનીના રૂમમાં કર્યો આપઘાત
પ્રાપ્ત વિગતો અનુસાર, ભરૂચના તવરાના રહેવાસી અને બિરલા ગ્રાસિમ કંપનીમાં કામ કરતા રાજેશ ગોહિલ નામના કર્મચારીએ કંપનીના રૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. રાજેશ ગોહિલે આપઘાત માટે કંપનીના એક અધિકારીને જવાબદાર ઠેરવ્યા છે. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે અને તપાસ હાથ ધરી છે. રાજેશ ગોહિલે ત્રણ પાનાની સુસાઈડ નોટ લખી જીવનનો અંત આણ્યો છે.
આધિકારીના ત્રાસથી કંટાળી કર્યો આપઘાત
આપઘાત કરતા પહેલા રાજેશ ગોહિલે લખેલી સુસાઈડ નોટમાં તેણે મનજીતસિંહ નામના અધિકારી ગંભીર આક્ષેપો કર્યા છે. રાજેશ ગોહિલે જણાવ્યું કે, મનજીત સરે મને મેન્ટલી ટોર્ચર કરી નાખ્યો છે. તેઓ દરરોજ મારી સાથે ખોટી-ખોટી બાબતે લડાઈ ઝઘડા કરે છે. 4 કર્મચારી જેટલું કામ હું એકલો જ કરું છું છતાં મને મનજીત સર મને મેન્ટલી ટોર્ચરિંગ કરે છે. મને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપે છે. આટલા બધા કામ હોવાથી ટાઈમના અભાવના લીધે કોઈ કામ ન થયું હોય તો મને ગમે તેમ બોલે છે. ત્યારબાદ મારી અંડરમાં S.R.P.L કોન્ટ્રાક્ટરના લેબર અને શ્રી હરી કોન્ટ્રાક્ટરના લેબર કુલ મળીને 13 હેલ્પર મારી નીચે કામ કરે છે. આ લોકોને પણ સેફ્ટી બાય બાસ કરાવીને મનજીત સર મારી પાસે કામ કરાવે છે. હું સેફ્ટી બાય પાસ કરવાની મનાઈ કરું તો મારી સાથે ગમે તેમ વર્તન કરે છે. ત્યારબાદ ટોર્ચરિંગ કરીને મારી પાસે સેફ્ટી વિરોધ હેલ્પર પાસે કામ કરાવે છે.
'સેફ્ટી બાયપાર કરાવીને મારી પાસે કરાવે છે કામ'
સુસાઈડ નોટમાં લખવામાં આવ્યું છે કે, હેલ્પરનો કોઈ એક્સિડન્ટ થાય એની જવાબદારી મારી એટલે કે રાજેશ ગોહિલની રહેશે એવું મનજીત સર મને કહે છે અને મારી પાસે સેફ્ટી બાયપાસ કરાવી કરાવીને કામ કરાવે છે. જો હું ન કરું તો મને હેરાન કરે છે. મને પ્લાન્ટમાં પરેશાન કરે છે. મને HODની ધમકી આપે છે અને તને કઢાવી નાખી એવું કહે છે.
'મનજીત સર સામે એક્શન જરૂર લેજો'
આટલું સારું કામ કરવા છતાં મને ઘણો હેરાન કરે છે. છતાં હું તેમનું સહન કરીને કામ કરું છું. કારણ કે મારે નોકરીની ઘણી જરૂર છે. આ લોકોએ મને પરેશાન કરી નાખ્યો છે. HR, અડમિન અને તમામ સરને જણાવવાનું કે મનજીત સર સામે એક્શન જરૂર લેજો. નહીં તો મારી જેમ ટોર્ચરિંગથી કંટાળીને કોઈ ખોટું પગલું ભરે નહીં અને પોતાના પરિવાર સાથે શાંતિથી રહી શકે.
'સાચ્ચે યાર કોઈને આટલું ટોર્ચર ન કરાય'
મનજીત સર જે પણ તમે મારી સાથે કર્યુ એ બધું ખોટું કામ કર્યું છે. મને દિલમાં ઘણું લાગી આવ્યું છે. સાચ્ચે યાર આટલું બધું ટોર્ચરિંગ કોઈને ન કરાય. તમારા લીધે આજે મારે આવું પગલું ભરવાનો સમય આવી ગયો. તમારા લીધે મારે મારા પરિવારથી વિખુટા પડવાનો સમય આવી ગયો.
પોલીસે હાથ ધરી તપાસ
આપને જણાવી દઈએ કે, આ સુસાઈડ નોટ પરથી લાગી રહ્યું છે કે કર્મચારી રાજેશ ગોહિલ મનજીતસિંહના ત્રાસથી કેટલો કંટાળી ગયો હતો. તેણે અધિકારીનું કેટલું સહન કર્યું હશે. હાલ તો પોલીસે આ સુસાઈડ નોટના આધારે તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા મનજીતસિંહ સામે કેવા પગલા લેવામાં આવે છે તે જોવું રહ્યું....
ઈનપુટઃ ગૌતમ ડોડિયા, ભરૂચ
ADVERTISEMENT