સંજયસિંહ રાઠોડ/સુરત: સુરત શહેરના લાજપોર ખાતે આવેલી મધ્યસ્થ જેલમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે જેલના નાયબ પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન હેઠળ અતુલ બેકરીના સૌજન્યથી આજ રોજ કેદીઓ દ્વારા બેન્ડ સાથે 100 મીટર લાંબા રાષ્ટ્રીય ધ્વજ સાથે જેલની અંદર તિરંગા યાત્રાનું (Tiranga Yatra) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 500થી વધુ કેદીઓ જોડ઼ાયા હતા. તિરંગા યાત્રા દરમિયાન કેદીઓ દ્વારા ‘ભારત માતા કી જય’ તથા ‘વંદે માતરમ’ના નારા સાથે સમગ્ર જેલનું વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું.
ADVERTISEMENT
ઢોલ-નગારા સાથે કેદીઓએ કાઢી તિરંગા યાત્રા
આજે આઝાદીના 76 વર્ષની ઉજવણીના ભાગ રૂપે સમગ્ર દેશમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ રહી છે. તેવામાં સુરતની લાજપોર મધ્યસ્થ જેલના કેદીઓ પણ આ સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં સહભાગી થયા હતા. જેલમાં કેદીઓ દ્વારા 100 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઢોલ-નગારા સાથે કેદીઓએ તિરંગા યાત્રા કાઢી હતી. તિરંગા પ્રત્યે માન સન્માન વધે અને કેદીઓમાં રાષ્ટ્રીય ભાવના કેળવાય તથા દેશ પ્રત્યે ત્યાગ, બલિદાનની ભાવના જાગૃત થાય તે હેતુથી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ મોડાસામાં કરી સ્વતંત્રતા પર્વની ઉજવણી
નોંધનીય છે કે, આજે ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મોડાસા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેમણે રાજ્યને સંબોધિત કરતા મોટી જાહેરાત કરી હતી. આ દરમિયાન ધ્વજવંદન સમયે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. ત્યારપછી સંબોધન કરતા ભૂપેન્દ્ર પટેલે વિકાસના પંથે ગુજરાતને આગળ વધારવા માટેના સંકલ્પોને વાગોળ્યા હતા. ત્યારે જ નરેન્દ્ર મોદીના પથ પર વિકાસ આગળ વધે એની ખાતરી પણ આપી હતી. વળી સરદાર સાહેબના પદચિહ્નો પર આરોગ્ય-શિક્ષણ ક્ષેત્રે ગુજરાતને આગળ વધારવાની વાત પણ કરી હતી.
ગુજરાતનાં સરદાર સાહેબ અને ગાંધીજી આઝાદીમાં યોગદાન મહત્ત્વપૂર્ણ રહ્યા- CM ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યને સંબોધિત કરતા જણાવ્યું કે દેશની આઝાદીમાં આપણા ગુજરાતના અનેક સ્વાતંત્ર્ય વીરોની સાથે સાથે સરદાર સાહેબ અને ગાંધીજીનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહ્યું હતું. તેમણે આઝાદીનો મોરચો સંભાળીને દેશને સ્વતંત્ર કરાવ્યો હતો. સરદાર સાહેબે દરેક સમાજના વર્ગની ચિંતા કરી હતી.
ADVERTISEMENT