Gujarat Weather Update: ગુજરાતમાં ગુલાબી ઠંડીએ હવે કાતિલ ઠંડીનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં ઉપરના લેવલમાં સક્રિય હાઈપ્રેશરની અસર ઘટતાં હવે ઠંડા પવનો શરૂ થયાં છે. ગુજરાતવાસીઓને બર્ફીલા પવનો રીતસરના ધ્રુજાવી રહ્યા છે. રાજ્યમાં કાતિલ ઠંડીએ દસ્તક દેતા ખેડૂતો ખુશખુશ થઈ ગયા છે.
ADVERTISEMENT
અંબાલાલ પટેલે કરી આગાહી
આજે કચ્છના નલિયામાં ઠંડીનો પારો 10 ડિગ્રીએ પહોંચ્યો છે. જ્યારે બનાસકાંઠાના ડીસામાં 12.6 ડિગ્રી અને વડોદરામાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કડકડતી ઠંડીની સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં ફરી માવઠાની શક્યતા છે.
આજથી શરૂ થશે કડકડતી ઠંડીનો દોરઃ અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આજથી કડકડતી ઠંડીનો દોર શરૂ થશે. ધીમે-ધીમે ઠંડીનું પ્રમાણ વધતું જશે. 26થી 27 ડિસેમ્બરે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. જ્યારે 29 ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડીની શક્યતા છે.
જાન્યુઆરીની શરૂઆતમાં માવઠાની શક્યતાઃ અંબાલાલ
તેમણે જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 1 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો આવશે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતનાં પૂર્વીય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. તો ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
ક્યાં પડી શકે છે વરસાદ?
જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે હળવા કમોસમી વરસાદની શક્યતા છે તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ માવઠાની આગાહી છે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે.
બે દિવસ અગાઉ પડ્યો હતો કમોસમી વરસાદ
અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં ભરશિયાળે માવઠું થયું હતું. દ્વારકાના ખંભાળિયા, કલ્યાણપુરમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. જેના કારણે ઘઉં, ચણા, જીરું સહિતના પાકને નુકસાન થવાની ભીતિ ઉદ્દભવી છે.
ADVERTISEMENT