Dwarka News : હાલમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજાએ સટાસટી બોલાવતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ વચ્ચે દ્વારકાના ખંભાળિયામાં એક જર્જરિત મકાન ધરાશાયી થતાં એક જ પરિવારના ત્રણ લોકોના કરૂણ મૃત્યુ નિપજ્યાં છે.
ADVERTISEMENT
જર્જરિત મકાન ધરાશાયી થયું
મળતી માહિતી અનુસાર, ખંભાળિયાના ટ્રાફિકથી વ્યસ્ત એવા મેઈન બજાર નજીક રાજડા રોડ વિસ્તારમાં આવેલા આશરે 125 વર્ષ જૂના મકાનમાં એક દલવાડી પરિવાર રહેતો હતો. ગઈકાલે સાંજે લગભગ 6 વાગ્યાની આસપાસ જર્જરિત મકાનનો કેટલોક ભાગ જમીનદોસ્ત થઈ ગયો હતો. જેથી મકાનના કાટમાળમાં અંદાજે 7 જેટલા લોકો દટાયા હતા.
પાલિકાની ટીમ દોડી આવી
જે અંગેની જાણ થતાં નગરપાલિકાની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થાનિકોની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે બાદ એક જ પરિવારના 7 જેટલા સભ્યો પૈકી ચાર સભ્યોને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
NDRFની ટીમની લેવાઈ હતી મદદ
તો મકાનમાં રહેતા કેસરબેન કણજારીયા નામના 70 વર્ષના વૃદ્ધા તેમજ પાયલબેન અશ્વિનભાઈ કણજારીયા (19) અને પિન્ટુબેન કણજારીયા (14)ને બહાર કાઢવા માટે NDRFની ટીમને પણ બોલાવવામાં આવી હતી. આ વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી JCBની મદદથી ત્રણ લોકોને બચાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
ત્રણેયને મૃત જાહેર કર્યા
જે બાદ મહામહેનતે ત્રણેયને બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પર હાજર તબીબે ત્રણેયને મૃત જાહેર કર્યા હતા.
ઈનપુટઃ રજનીકાંત જોશી, દ્વારકા
ADVERTISEMENT