વડોદરા : શહેરમાં ધોરણ 1 માં પ્રવેશ મુદ્દે સરકાર દ્વારા 6 વર્ષ પુર્ણ થાય ત્યારે જ પ્રવેશ આપવાનો પરિપત્ર કર્યો છે. જો કે આ પરિપત્ર વિવાદિત બને તેમ શરૂઆતથી જ લાગી રહ્યું હતું. કારણ કે નવા નિયમને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ અંગે વાલીઓ અને કેટલીક શૈક્ષણીક સંસ્થાઓમાં ગણગણાટ લાંબા સમયથી હતો. જો કે હવે તે વિરોધ સ્વરૂપે વડોદરાથી સામે આવ્યો છે.
ADVERTISEMENT
જે બાળકો નર્સરીમાં પ્રવેશ લઇ ચુક્યા છે તેમનું ભાવિ અધ્ધરતાલ
આ અંગે વડોદરામાં કેટલાક વાલીઓ દ્વારા વડોદરા DEO ને રજુઆત કરવામાં આવી છે. બાળકનું એક વર્ષ બગડે તેવી સ્થિતિ થઇ રહી છે. નવા નિયમ અંગે સરકારે સ્પષ્ટતા કરવી જોઇએ. બાળકનું એક વર્ષ બગડે તેમ છે કારણ કે 3 વર્ષે નર્સરી, ત્યાર બાદ જુનિયર અને સીનિયર કેજી 5 વર્ષે પુર્ણ થાય. 5માં વર્ષથી છઠ્ઠા વર્ષ સુધી બાળક શું કરશે. આ ઉપરાંત જે બાળકો નર્સરીમાં પ્રવેશી ચુક્યા છે તેમનું શું થશે?
સીનિયર કેજી પતાવી ચુકેલા વિદ્યાર્થીઓને એક વર્ષ રાહ જોવી પડશે
ધોરણ 1માં પ્રવેશ મુદ્દે સવાલો થઇ રહ્યા છે કારણ કે, પરિપત્ર થયો ત્યારે અનેક બાળકો નર્સરીમાં પ્રવેશ લઇ ચુક્યા હતા. કેટલાક બાળકો સીનિયર કેજી પતાવીને હવે ધોરણ 1 માં પ્રવેશ માટે તૈયાર છે. તેવામાં આ પરિપત્રના કારણે સ્થિતિ વિમાસણભરી થઇ છે. સરકારનાં સમજ્યા વગરના નિર્ણયોના કારણે રાજ્યના હજારો વિદ્યાર્થીઓ રઝળી પડે તેવી શક્યતા છે. જેથી સરકારે આ મુદ્દે કંઇક સ્પષ્ટતા કરવી જોઇએ.
ADVERTISEMENT