અમદાવાદ: રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાનો ખતરો સતત મંડરાઈ રહ્યો છે. આ દરમિયાન ગુજરાતના વહીવટી તંત્ર એક બાદ એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ રહ્યું છે. ત્યારે ટેલીકોમ વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજયમાં સંભવિત બિપરજોય વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્ત જિલ્લાઓમાં ટેલીકોમ નેટવર્ક ખોરવાય તો નાગરિકો કોઈપણ ટેલીકોમ ઓપરેટર નેટવર્કનો ઉપયોગ કરી શકશે. તેમ દૂર સંચાર વિભાગના ગુજરાત લાયસન્સ સર્વીસ એરિયાઝ (GLSA) દ્વારા જણાવાયું છે.
ADVERTISEMENT
બિપોરજોય વાવાઝોડા દરમિયાન સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોને કોઈ તકલીફ ન પડે તેને ધ્યાનમાં લઇ ટેલિકોમ સેવાઓએ આ મહત્વનો નિર્ણય કર્યો છે. જો કોઈ નાગરિકે સબસ્ક્રાઈબ કરેલી ટેલિકોમ સેવા કામ ન કરે અથવા અસ્થાઈ રીતે બંધ હોય તો બીજા કોઈ પણ ટેલિકોમ ઓપરેટરની સેવાનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ રીતે લઈ શકાશે લાભ
આ સેવાનો લાભ લેવા મોબાઇલ સેટિંગ્સ > સિમ કાર્ડ > મોબાઇલ નેટવર્કને મેન્યુઅલી પસંદ કરવાનું રહેશે. આ સેવાઓ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જુનાગઢ અને મોરબી જિલ્લામાં તા. 17 જૂન 2023 ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.
રાજ્યમાં 47,113 લોકોનું સ્થળાંતર કરાયું
સંભવિત વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મૂકીને 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 47 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે. હજુ પણ સ્થળાંતરની કામગીરી પ્રગતિમાં છે અને બુધવાર સાંજ સુધીમાં આ કામગીરી 100 ટકા પૂર્ણ થવાનો અંદાજ છે. અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં 4462, કચ્છમાં 17,739 , જામનગરમાં 8542, પોરબંદરમાં 3469, દેવભૂમિ દ્વારકામાં 4863, ગીર સોમનાથમાં 1605, મોરબીમાં 1936 અને રાજકોટમાં 4497 મળી કુલ 47,113 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT