અમદાવાદ: આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. અઅ દરમિયાન ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ હવે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસ એક્શન મૉડમાં આવ્યું છે. ગુજરાત કોંગ્રેસમાં એક બાદ એક મોટા ફેરફાર થઈ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદની કમાન શક્તિસિંહ ગોહિલના હાથમાં સોંપવામાં આવ્યા બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારીને લઈને ચર્ચાઓ તેજ બની છે.
ADVERTISEMENT
ગુજરાત કોંગ્રેસના પ્રમુખની નિયુક્તિ બાદ હવે ગુજરાત કોંગ્રેસ પ્રભારીની નિયુક્તિનો મુદ્દો ગાજી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું કે કોંગ્રેસ હાઈકમાન્ડ પ્રમુખ બાદ હવે ટૂંક સમયમાં નવા પ્રભારીની પણ સત્તાવાર જાહેરાત થઈ શકે છે. હાલ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા હતા.
8 ડિસેમ્બરે રઘુ શર્માએ આપ્યું રાજીનામું
દિગ્ગજ નેતા રાજીવ સાતવના નિધન પછી ગુજરાત પ્રભારીનું પદ ખાલી હતું. ત્યારે ગુજરાતના પ્રભારી તરીકે રઘુ શર્માને જવાબદારી સોંપવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન રહ્યું હતું. આ દરમિયાન રઘુ શર્માએ હારની જવાબદારી સ્વીકારી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસે 7મી ઓક્ટોબરના 2021ના રોજ રઘુ શર્માને ગુજરાતના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા હતા. જે બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ખૂબ જ ઓછી સીટ આવતા પ્રભારી રઘુ શર્માએ હાર સ્વીકારીને 8 ડિસેમ્બર 2022ના રોજ રાજીનામુ આપ્યું હતું.
આ નામો છે પ્રભારીની રેસમાં આગળ
કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાતના અધ્યક્ષની નિમણૂક બાદ હવે પ્રભારીની નિમણૂક કરવાની તૈયારીમાં છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી માટે બી.કે હરિપ્રસાદ, મોહન પ્રકાશ અને નીતિન રાઉતનું નામ રેસમાં છે. બી.કે હરિપ્રસાદ અગાઉ ગુજરાતની જવાબદારી સંભાળી ચુક્યા છે. નીતિન રાઉતે 2022ની ચૂંટણીમાં કોંગ્રેસની હારના કારણનો રિપોર્ટ તૈયાર કર્યો હતો. હાઈકમાન્ડ દ્વારા આ ત્રણમાંથી કોઇ એકને ગુજરાતના પ્રભારી બનાવવામાં આવી શકે છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ ગુજરાતમાં મોટા ફેરફાર કરશે.
ADVERTISEMENT