કૌશિક કાંઠેચા,કચ્છઃ ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જ ગરમીએ કચ્છમાં 50 વર્ષનો રેકોર્ડ તોડયો છે.સામાન્ય પણે માર્ચ મહિનાના બીજા પખવાડિયામાં શરૂ થતી ગરમી આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જ શરૂ થઈ ગઈ છે અને એ પણ અંગ દઝાડે તેટલી ગરમી રડી રહી છે.આ જોઈ આવતા માર્ચ, એપ્રિલ અને મે મહિનાની ગરમી ચિંતાનો વિષય બની રહ્યો છે.તેવામાં ગરમીની શરૂઆતમાં જ કચ્છના ડેમની પરિસ્થિતિ ખૂબ ચિંતાજનક છે. હાલ કચ્છના માધ્યમ અને નાની સિંચાઇના ડેમમાં પાણી એટલું તળિયે છે કે અડધો ઉનાળો પણ નહીં ટકી શકે.
ADVERTISEMENT
કચ્છમાં ડેમ થયા તળિયાઝાટક
સૂકા રણપ્રદેશ કચ્છમાં પાણીની અસલ તંગી માર્ચથી મે મહિના દરમિયાન ઉનાળાની સીઝનમાં વર્તાય છે.લખપત અને અબડાસા તાલુકા ઉપરાંત ભુજ તાલુકાના બન્ની જેવા છેવાડાના વિસ્તારોમાં લોકો પીવાના પાણી માટે પણ તરસતા હોય છે. તેવામાં હાલ કચ્છના મોટાભાગના ડેમોમાં પાણી તળિયાઝાટક થયું છે. તો બીજા ડેમ પણ તળિયાઝાટક થવાના આરે છે.જિલ્લામાં મધ્યમ સિંચાઇ યોજના હેઠળના 20 ડેમમાંથી ત્રણ ડેમ ખાલીખમ થઈ ગયા છે. 20 ડેમની કુલ સંગ્રહ શક્તિ 332.27 મિલિયન કયુબિક મીટર છે. જેની સામે હાલ માત્ર 40.82 ટકા એટલે કે 135.63 મિલિયન ક્યુબિક મીટર પાણી વધ્યું છે.આ પાણી એપ્રિલ મહિનાના પહેલા પખવાડિયામાં જ પૂર્ણ થઈ જાય તેવા અણસાર દેખાડે છે.
એક મહિનો ચાલે તેટલુ જ પાણી
બીજી તરફ કચ્છમાં નાની સિંચાઇ યોજના હેઠળ બનેલા 170 ડેમની પરિસ્થિતિ વધુ ખરાબ છે. અત્યારથી જ જિલ્લાના 98 નાના ડેમ તળિયાઝાટક થઈ ગયા છે. તો માત્ર 72 ડેમમાં જ હવે પાણી બચ્યું છે. 170 ડેમની 261 મિલિયન ક્યુબીક મીટર સંગ્રહ શક્તિ સામે હાલ વપરાશમાં લઈ શકાય એટલું માત્ર 45.87 એટલે કે 17.52 ટકા પાણી વધ્યું છે. આ નાના ડેમનું પાણી તો એક મહિનામાં જ પૂરું થઈ જાય એટલું છે.
આ પણ વાંચોઃ PSIની ભરતી પરીક્ષામાં ગેરરીતિ? રીઝલ્ટમાં નામ નથી તેવો ઉમેદવાર ટ્રેનિંગ લેતો હોવાનો આક્ષેપ
ચોમાસુ જામ્યુ તો’ય પાણી ખૂટ્યું
કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં અનેક ખેડૂતો અને માલધારીઓ આવા વિવિધ ડેમના આશરે હોય છે. ત્યારે આવનારા મહિનાઓમાં તેમના માટે કપરી પરિસ્થતિ ઊભી થવાના એંધાણ દર્શાય છે. ગત ચોમાસામાં સારી માત્રામાં વરસાદ પડ્યો હોવા છતાંય પાણી આટલું ઓછું કંઈ રીતે થઈ ગયું તે પણ એક મોટો પ્રશ્ન છે.રાજ્ય સરકાર આ સ્થિતિ અંગે વિચાર કરી અત્યારથી કોઈ પગલા ભરે તેવી આશા નાગરિકો વ્યક્ત કરી રહ્યાં છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT