- લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો એક્ટિવ
- કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે થઈ શકે છે ગઠબંધન
- અંતિમ નિર્ણય તો હાઈકમાન્ડ દ્વારા જ લેવાશે
Lok Sabha Election 2024: દેશમાં આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેને લઈને તમામ રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે અને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વચ્ચે ગુજરાત કોંગ્રેસને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક રિપોર્ટ મુજબ, ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થઈ શકે છે. ગુજરાતની ત્રણ બેઠક પર AAP અને કોંગ્રેસની વચ્ચે ગઠબંધન થઈ શકે છે. જોકે, હજુ સુધી આ મામલે કોઈ નેતાનું સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
કોંગ્રેસ અને AAP કરી શકે છે ગઠબંધન
દિલ્હી ખાતે ગતરોજ કોંગ્રેસ સ્ક્રિનિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતની 26 બેઠકોમાંથી ત્રણ બેઠક પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની ચર્ચા ગતરોજ યોજાયેલી બેઠકમાં કરવામાં આવી હતી.
કોંગ્રેસ AAPને ત્રણ બેઠક આપવા તૈયારઃ રિપોર્ટ
આમ આદમી પાર્ટીએ ગુજરાતની ભાવનગર, ભરૂચ અને દાહોદ બેઠકની માંગ કર્યાની ચર્ચા છે. તો કોંગ્રેસ પણ આમ આદમી પાર્ટીને સુરત, બારડોલી, ભરૂચ બેઠક આપવા માટે તૈયાર છે. જોકે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થશે કે નહીં થાય તેનો અંતિમ નિર્ણય તો હાઈકમાન્ડ દ્વારા જ લેવામાં આવશે.
13 ફેબ્રુઆરીએ યોજાશે PACની બેઠક
લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ નક્કી કરવા માટે આગામી 13 ફેબ્રુઆરીએ આમ આદમી પાર્ટીએ પોલિટિકલ અફેર્સ કમિટી (PAC)ની બેઠક બોલાવી છે. જેમાં ગુજરાત, હરિયાણા અને ગોવા બેઠકોના ઉમેદવારો નક્કી કરાશે.
કેજરીવાલે ચૈતરના નામની કરી હતી જાહેરાત
અત્રે ઉલ્લેખીય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકસભા ચૂંટણી માટે ગુજરાતની ભરૂચ બેઠકથી પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. તેમણે એક રેલીને સંબોધિત કરતા કહ્યું હતું કે, ભરૂચ લોકસભા બેઠકથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણી લડશે. નેત્રાંગમાં રેલીને સંબોધિત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, આજે હું જાહેર કરવા માંગું છું કે આમ આદમી પાર્ટી તરફથી ચૈતર વસાવા ભરૂચ બેઠકથી લોકસભા ચૂંટણી લડશે.