અરવલ્લીઃ બોટાદમાં બરવાળાનાં કથિત લઠ્ઠાકાંડમાં 42થી વધુ લોકોના મોત થયા પછી દારૂબંધીનો મુદ્દો ગરમાયો હતો. આ દરમિયાન અરવલ્લીમાં હજુ પણ દેશી દારૂની હાટડીઓ ધમધમતી હોવાની અરજી સરપંચે કરી છે. શીણાવાડ ગૃપ ગ્રામપંચાયતના સરપંચ અને સભ્યોએ દેશી દારૂની હાટડીઓ મુદ્દે પોલીસને જાણ કરતા તંત્ર સફાળુ જાગી ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિપક્ષે કથિત લઠ્ઠાકાંડ મુદ્દે સરકારનો ઘેરો કર્યો હતો અને બીજી બાજુ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા હતા. તેવામાં હવે પોલીસે દેશી દારૂની હાટડીઓ શોધી આરોપીઓની ધરપકડ કરવાની કામગીરી વધુ ઝડપી બનાવી દીધી છે.
ADVERTISEMENT
સ્થાનિકો થયા દેશી દારૂનાં બંધાણી- સરપંચ
શીણાવાડ ગ્રુપ ગ્રામપંચાયતનાં સરપંચ, ડેપ્યુટી સરપંચ તથા અન્ય 7 સભ્યોએ દેશી દારૂની હાટડીઓ પર દરોડા પાડવા માટે પોલીસને લેખિતમાં અરજી આપી છે. સરપંચે પોતાની અરજીમાં લખ્યું છે કે અહીં ઘણા સ્થળે દેશી દારૂની બનાવટ અને વેચાણ થઈ રહ્યું છે. જેના કારણે યુવાનો પણ દેશી દારૂના બંધાણી બની રહ્યા છે. વળી આના કારણે બીમારીનું પ્રમાણ પણ વધી રહ્યા છે.
લઠ્ઠાકાંડના આરોપીને કડક સજા થશે- હર્ષ સંઘવી
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સાથેની વાતચીતમાં કથિત લઠ્ઠાકાંડના તમામ આરોપીની ધરપકડ માટે નવી રણનીતિ ઘડી હોવાના સંકેતો આપ્યા છે. તેમણે આ મામલે સરકાર ગંભીરતાથી કાર્યવાહી કરશે એની ખાતરી આપી છે.
હર્ષ સંઘવીએ બે SP કક્ષાના અધિકારીને તપાસના આદેશ આપ્યા
ગુજરાત રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર મામલે સંપૂર્ણ તપાસ હાથ ધરવા માટે 2 SP કક્ષાનાં અધિકારીઓને પસંદ કર્યા છે. આની સાથે જ તેમણે ખાતરી આપી છે કે આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને આકરી સજા ફટકારવામાં આવશે. આ અંગે બોટાદ અને રાણપુર પોલીસ સ્ટેશનમાં કુલ 2 કેસ નોંધાયા છે, જ્યારે ધંધૂકા પોલીસ સ્ટેશનમાં 1 કેસ દાખલ કરાયો છે. જેનું સંપૂર્ણ નિરિક્ષણ સુપરવિઝન સ્ટેસ મોનિટરિંગ સેલના SP નિલિપ્ત રાય કરશે. વળી બીજી બાજુ અમદાવાદ ગ્રામ્યનાં ધંધૂકામાં જે કેસ નોંધાયા છે એમનું સુપરવિઝન DGPનાં આદેશ પ્રમાણે જ્યોતિ પટેલ કરશે.
મિથાઈલ આલ્કોહોલને કન્ટ્રોલ કરવા સરકાર લાવશે પોલિસી
હર્ષ સંઘવીએ મિથાઈલ આલ્કોહોલને કન્ટ્રોલ કરવાની પોલિસી પર કામ કરવા વિશે વાત કરી હતી. તથા જણાવ્યું હતું કે જો કોઈ શંકાશીલ વ્યક્તિ મળી તો તેને છુપાવવાના બદલે શોધી શોધીને હોસ્પિટલ પહોંચાડવા ગુજરાત પોલીસે તાત્કાલિક પગલા ભર્યા છે.
ADVERTISEMENT