પાલનપુરનું દંપતી હરિદ્વારની યાત્રાએ ગયું અને તસ્કરો ઘરમાંથી રિવોલ્વર સહિત સોના-ચાંદીના દાગીના ચોરી ગયા

ધનેશ પરમાર/બનાસકાંઠા: બનાસકાંઠામાં ઘરફોડ ચોરીઓનો આંતક વધતો જાય છે. ત્યારે પાલનપુરના વર્ધમાન બંગ્લોઝમાં ચારધામ યાત્રા કરવા ગયેલા દંપતીના બંધ ઘરને ચોરોએ નિશાન બનાવ્યું હતું. આ…

gujarattak
follow google news

ધનેશ પરમાર/બનાસકાંઠા: બનાસકાંઠામાં ઘરફોડ ચોરીઓનો આંતક વધતો જાય છે. ત્યારે પાલનપુરના વર્ધમાન બંગ્લોઝમાં ચારધામ યાત્રા કરવા ગયેલા દંપતીના બંધ ઘરને ચોરોએ નિશાન બનાવ્યું હતું. આ દંપતી પુરુષોત્તમ માસ ચાલતો હોવાથી ઉત્તરાખંડ, હરિદ્વાર યાત્રાએ ગયું હતું. ત્યારે અજાણ્યા તસ્કરોએ મકાનના દરવાજાનું ઇન્ટરલોક તોડી બીજા માળે પડેલા લાકડાના કબાટમાંથી લાયસન્સ વાળી રિવોલ્વર તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 4.32 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. યાત્રાથી પરત આવતા મકાન માલિકને આ ચોરીની જાણ થતાં તેઓએ પોલીસ ફરિયાદ કરી હતી. જે મામલે પોલીસે ચોરીની ફરિયાદને આધારે હાલ તપાસ હાથ ધરી છે.

આ ઘટનાની વિગત જોઈએ તો પાલનપુર-અમદાવાદ હાઈવે રેલવે બ્રિજ નજીક વર્ધમાન બંગલોઝમાં રહેતા જમીન-લે વેચનો વેપાર કરતાં ભાસ્કરભાઈ ઠાકર અને તેમના પત્ની ભાવનાબેન ધાર્મિક ક્રિયાઓ માટે 21 જુલાઈના રોજ હરિદ્વાર ગયા હતા. આ તકનો લાભ લઈ અજાણ્યા તસ્કરોએ તેમના બંધ મકાનના દરવાજાનું ઇન્ટરલોક તોડી તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ તેઓએ બીજા માળે પડેલા લાકડાના બે કબાટના લોક તોડી અંદરથી રૂપિયા 15,000ની સોનાની કડીઓ નંગ 2, રૂપિયા 15000ની સોનાની બુટ્ટી નંગ 2, રૂપિયા 30,000ની સોનાની વીંટી નંગ 2, રૂપિયા 45,000ની સોનાની ચેન નંગ 1, રૂપિયા 20,000ની ચાંદીની પાયલ, રૂપિયા 20,000ના ચાંદીના વાસણ, રૂપિયા 12000ના ચાંદીના સિક્કા, રૂપિયા 5000નો ચાંદીનો કંદોરો તેમજ રૂપિયા 80,000ની લાયસન્સ વાળી રિવોલ્વર મળી કુલ રૂપિયા 4,32,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

આ અંગે ભાસ્કરભાઈ ઠાકરે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં સહુથી વધુ ભયજનક વાત ચોરોએ ચોરેલી રિવોલ્વર છે. કેમકે જો આ ચોરો નવી ચોરી કરવા જાય, અને કોઈ મકાન માલિક કે સોસાયટી રહીશ કે ચોકીદાર તેમને જોઈ જાય તો આ ધાતક રિવોલ્વરથી પ્રતિકાર કરનારની હત્યા પણ કરી શકે છે. ત્યારે પોલીસે આ ચોરી તાત્કાલિક ડીટેક્ટ કરવી પડશે અન્યથા મોટો ગુનો થઈ શકે છે.

    follow whatsapp