દિગ્વિજય પાઠક/ વડોદરા: શહેરમાં જાણીતી મહિલા ક્રિકેટર તરન્નુમ પઠાણના બંધ મકાનના તાળા તોડીને તસ્કરો હાથ ફેરો કર્યો હોવાની માહિતી મળી રહી છે. ક્રિકેટરના બંધ મકાનમાંથી કોઈ શખ્સો 6 તોલા સોનાના દાગીના તથા 30 હજાર રૂપિયા રોકડા મળીને કુલ 5 લાખના મુદ્દામાલ ચોરીને ફરાર થઈ ગયા હતા. હાલમાં સમગ્ર બનાવ મામલે ગોત્રી પોલીસે તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
મહિલા ક્રિકેટર અજમેર ગયા અને ઘરનું તાળું તૂટ્યું
વડોદરાના મહિલા ક્રિકેટર તરન્નુમ પઠાણના અકોટા ગામમાં મોટી મસ્જીદની બાજુમાં આવેલા મકાનમાં ચોરીનો બનાવ બન્યો છે. મહિલા ક્રિકેટરના ઘરની બાજુમાં જ તેમના પરિવારના અન્ય સભ્યો રહે છે. જોકે મોડી રાત્રે તરન્નુમ ઘરને તાળુ મારીને અજમેર ગઈ હતી. દરમિયાન તેમના માતા મુમતાજ બાનુને ઘરનું ધ્યાન રાખવા માટેની જણાવ્યું હતું.
માતાએ દીકરીને ફોન કરીને જાણ કરી
જોકે સવારમાં જ્યારે મુમતાજ બાનુએ પાડોશમાં આવેલી દીકરીના મકાનમાં મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોતા ચોંકી ઉઠ્યા હતા. તેમણે તાબડતોબ દીકરીને ફોન કર્યો હતો અને તેના મકાનમાં ચોરી થઈ હોવાના સમાચાર આપ્યા હતા. ઘરમાં ચોરીની વાત સાંભળતા જ તરન્નુમ પણ ચોંકી ઉઠી હતી અને તેમણે પોતાની માતાને ગોત્રી પોલીસ મથકમાં જાણ કરવાની સૂચના આપી હતી. આથી મુમતાજ બાનુએ દીકરીના ઘરમાં ચોરીની અરજી આપી હતી.
પોલીસે અજાણ્યા ચોરો સામે ગુનો નોંધ્યો
આ રીતે જાણીતા મહિલા ક્રિકેટરના ઘરમાં સોનાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી થયાની જાણ થતા ગામમાં પણ ચકચાર મચી જવા પામી હતી. હાલમાં તો પોલીસે ફરિયાદ નોંધીને અજાણ્યા શખ્સોને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
ADVERTISEMENT