સાબરકાંઠા: સાબરકાંઠાના સાંસદના નિવાસી આશ્રમમાં તસ્કરોએ હાથ ફેરો કરીને લાખોની મતાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડ પ્રાંતિજના ભાગપુર નજીક નિવાસી આશ્રમ શાળા આવેલી છે. અહીં સાંસદનું પોતાના રોકાણ માટેનું ઘર પણ છે. જેમાંથી તસ્કરો તિજોરી તોડીને ચાંદીના સિક્કા, વાસણો તથા સોનાના દાગીના અને 1 લાખ રૂપિયાની રોકડ ચોરી ગયા હોવાની ફરિયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ખાસ વાત એ છે કે સાંસદ હાલમાં અમેરિકાના પ્રવાસે છે.
ADVERTISEMENT
સાંસદના પુત્રએ ચોરીની ફરિયાદ નોંધાવી
સાંસદના પુત્રેએ ચોરીની ફરિયાદની જાણ કરતા પોલીસની ટીમો આશ્રમશાળાએ પહોંચીને તપાસ હાથ ધરી હતી. નિવાસી આશ્રમશાળામાં સાંસદ પોતાનું રોકાણ ધરાવે છે અને તેમનું મુખ્ય નિવાસ ભાગપુર ગામમાં આવેલું છે. જ્યાં તેમના પુત્ર તથા પરિવારના સદસ્યો રહે છે. જોકે આશ્રમશાળામાં રોકાણ હોવાથી તેઓ ત્યાં કેટલીક કિંમતી વસ્તુઓ તિજોરીમાં રાખતા હતા. જેમાં ચાંદીના સિક્કા અને વાસણો, દાગીના તથા રોકડ મળીને રૂ. 8.70 લાખ રૂપિયાની મતા ચોરાઈ હોવાનું સામે આવ્યું છે.
6 કિલો ચાંદી, સોનું સહિત બીજું શું ચોરાયું?
નોંધનીય છે કે, સાંસદ દિપસિંહ રાઠોડ અમેરિકાના પ્રવાસે છે. ત્યારે તેમની નિવાસી આશ્રમશાળામાં દરવાજા તોડીને તિજોરીમાંથી કિંમતી ચીજો ઉઠાવી ગયા હતા. જેમાં 6 કિલો ચાંદી સહિતની વસ્તુઓ ઉઠાવી ગયા હોવાની ફરિયાદ સાંસદના પુત્રએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
ADVERTISEMENT