Jamnagar News: જામનગર શહેરમાં આવેલ માંડવી ટાવર, બર્ધન ચોક, દરબારગઢ વિસ્તાર હાઈકોર્ટ દ્વારા "નો હોકિંગ ઝોન" તરીકે જાહેર કરવામાં આવ્યો છે. છતાં પણ તંત્ર દ્વારા આ હુકમની અમલવારી કરવામાં ન આવતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે 'નો હોકિંગ ઝોન'ની અમલવારીની માંગ સાથે 300 જેટલા વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખી વિરોધ વ્યક્ત કરાયો હતો. બાદમાં રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદન પત્ર અપાયું હતું.
ADVERTISEMENT
વેપારીઓએ કલેક્ટરને આપ્યું આવેદન
આવેદન પત્રમાં જણાવાયા અનુસાર, જામનગરમાં દબાણ મામલે તંત્રને અવારનવાર જાણ કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. બર્ધન ચોક સહિતના વિસ્તારમાં દબાણના પાપે જો કોઈને ઈમર્જન્સી સેવાઓની જરૂર પડે તો તે પહોચી શકે તેમ ન હોય તેવી સ્થિતિ છે. 108 એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટર આ ઈમરજન્સી સેવાઓ ગેરકાયદેસરના દબાણના કારણે જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચી શકે તેમ નથી.
ગેરકાયદેસર દબાણ હટાવવાની કરી માંગ
તંત્રની બેદરકારીના પાપે સામાન્ય માણસનો જીવ જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. સુરત અગ્નિકાંડ, રાજકોટ અગ્નિકાંડ, મોરબી દુર્ઘટના સહિતની દુર્ઘટનાઓ સામે છે. ત્યારે આ વિસ્તારમાં પણ કોઈ અનિચ્છની બનાવ ન બને તે માટે ગેરકાયદે દબાણ હટાવવા આવેદન પત્રમાં જણાવાયું છે.
જામનગરનું તંત્ર ઘોર નિદ્રામાં?
વધુમાં અહી ગામડાઓમાંથી પણ બહેનો ખરીદી અર્થે આવતી હોવાથી આ વિસ્તારના મહિલા યુરીનલ બનાવવામાં આવ્યું હતું. જેને પણ તોડી પાડવામાં આવ્યું છે. છતાં પણ જામનગરનું તંત્ર ઘોર નિદ્રામાં છે? કે પછી બેદરકાર છે? તેવું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે.
આંદોલનની ઉચ્ચારી ચીમકી
આમ અનેક સમસ્યા સામે ઝઝુમતાં વેપારી અને સ્થાનિકોની પરિસ્થિતિ પારખી અમલવારી કરાવવા માંગ ઉઠાવી છે. વધુમાં જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ વેપારીઓએ ચીમકી ઉચ્ચારી છે.
રિપોર્ટઃ દર્શન ઠક્કર, જામનગર
ADVERTISEMENT