બરવાળા : બરવાળાથી શરૂ થયેલ કથિત લઠ્ઠાકાંડ જાણે કે ફટાકડાની લૂમ ફુટી હોય તે પ્રકારે જોતજોતામાં ગુજરાતનાં 3 જિલ્લાઓમાં ફેલાઇ ગયો હતો. રોજિદ ગામમાં જ એક સાથે 5 લોકોનાં મોત નિપજ્યા હતા. જેથી આખા ગામમાં ગમગીની છવાઇ હતી. જો કે આ ઘટના બની ત્યારે લોકોનો રોષ સરપંચ તરફી જોવા મળ્યો હતો. સરપંચે દારૂ વેચાવા જ કેમ દીધો પરંતુ જ્યારે સરપંચ સાથે વાત કરવામાં આવી તો તંત્રનો વિકૃત ચહેરો સામે આવ્યો હતો.
ADVERTISEMENT
સરપંચે જણાવ્યું કે, સ્થાનિક પોલીસને એકવાર નહી અનેક વાર અરજી કરી હતી કે અહીં દારૂ વેચાય છે. 3 મહિના પહેલા છેલ્લી અરજી કરી હતી પરંતુ પોલીસ આવતી અને રાઉન્ડ મારીને જતી રહેતી હતી. હું જ્યારે હાથ પકડીને દારૂડીયાને પોલીસ સામે રજુ કરતો તો પોલીસવાળા આણે દારૂ પીધો જ નથી તેવું કહીને છોડી મુકતા અથવા તો સાથે લઇ જતા અને સવારે કોઇ કાર્યવાહી વગર જ છોડી મુકતા હતા. બરવાળા પોલીસ દારૂનો કોઇ કેસ લેવા માટે જ તૈયાર નહોતી.
સરપંચે કહ્યું કે, કાલે મારા પર બોટાદ હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે, તમારા ગામમાંથી ઝેરી દારૂનો એક કેસ આવ્યો છે તેથી સમગ્ર ગામમાં જાણ કરો કે જેણે પણ દેશી દારૂ પીધો હોય તે વિના વિલંબ હોસ્પિટલ પહોંચી જાય. તત્કાલ મે ઘરે ઘરે જઇને લોકોને હોસ્પિટલ મોકલ્યા હતા. દેશી દારૂ અહીં વર્ષોથી વેચાય છે, પોલીસ કોઇ કાર્યવાહી પણ કરતી નથી. જો કે હવે પોલીસને જે કરવું હોય તે કરે પરંતુ હું દારૂ નહી વેચાવા દઉ તેની હું ખાત્રી આપું છું. માત્ર રોજિદ નહી પરંતુ બરવાળા તાલુકામાં કોઇ દારૂ પીધેલી હાલતમાં મળશે તો હું હવે ઉચ્ચ અધિકારીને જ રજુઆત કરીશ.
ADVERTISEMENT