Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે. એક તરફ કોંગ્રેસ પાર્ટી ઈન્ડિયા ગઠબંધનના સહયોગી પક્ષો સાથે મળીને લગભગ 300 સીટો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી 2024ની લડાઈમાં 450થી વધુ બેઠકો પર ચૂંટણી લડી શકે છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. આ વચ્ચે હવે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ (Faisal Ahmed Patel)ના બેનરથી ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે.
જાહેર માર્ગ પર લગાવાયું બેનર
ભરૂચના જાહેર માર્ગે પર એક બેનર લગાવવામાં આવ્યું છે. આ બેનરમાં માત્ર “હું તો લડીશ – ફૈઝલ અહેમદ પટેલ” લખેલું છે. ભરૂચના જાહેર માર્ગ પર બેનર લગાવવામાં આવતા લોકોમાં કુતુહલ સર્જાયું છે. તો આ બેનર પર કોઈની પણ તસવીર લગાવવામાં આવેલી નથી. બેનર પર માત્ર “હું તો લડીશ” એટલું જ લખેલું છે.
પારિવારિક ઝઘડા તરફ કરે છે ઈશારોઃ સ્થાનિક
સ્થાનિક રહીશે ગુજરાત તક સાથેની વાતચીતમાં કહ્યું કે, આ બેનર કોંગ્રેસની અંદરની લડાઈ અને પારિવારિક ઝઘડા તરફ ઈશારો કરી રહ્યું છે. મુમતાઝ બેન પહેલા લડવાનું કહેતા હતા હવે ફૈઝલભાઈએ આ બેનર લગાવીને જાહેર કર્યું જે તેઓ પણ ચૂંટણી લડવા માંગે છે.
સી.આર પાટીલ સાથે કરી હતી મુલાકાત
ફૈઝલ પટેલ કોંગ્રેસના દિવંગત વરિષ્ઠ નેતા અહેમદ પટેલના દીકરા છે. ફૈઝલ પટેલે ગત વર્ષે જૂન મહિનામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સાથે મુલાકાત કરી હતી. સી.આર પાટીલ સાથેની મુલાકાતના ફોટા ફૈઝલ પટેલે ઈન્સ્ટાગ્રામ અને એક્સ (ટ્વિટર) પર શેર કર્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT