વલસાડ : રાજ્યમાં લઠ્ઠાકાંડ મુદ્દે હાહાકાર મચી રહ્યો છે, સરકાર અને તંત્ર પર માછલા ધોવાઇ રહ્યા છે ત્યારે રીઢા થઇ ગયેલા અધિકારીઓને હવે કાંઇ પરક નથી પડતો. જેને જીવવું હોય તે જીવે મરવું હોય તે મરે તેઓ તો પોતાની રૂઢી અનુસાર જ ઢળી ચુક્યાં છે. વલસાડ જિલ્લામાં નાનાપોઢાના PSI અને 3 કોન્સ્ટેબલ સાથે દારૂની મહેફીલ માણરા રંગેહાથ ઝડપાયા છે. પીએસઆઇ અને 3 કોન્સ્ટેબલ સહિત કુલ 19 લોકો દારૂની પાર્ટી કરતા ઝડપાતા ચકચાર તો મચી જ છે પરંતુ પોલીસ વિભાગને ફરી એકવાર નીચાજોણું થયું છે.
ADVERTISEMENT
રાજ્યમાં લઠ્ઠાકાંડ થયા બાદ ભોંઠુ પડેલું પોલીસ તંત્ર અને સરકાર હવે સફાળા એક્શન મોડમાં આવી ચુક્યાં છે. અનેક દારૂના અડ્ડાઓ પર દરોડા પડી રહ્યા છે અને અન્ય રાજ્યોમાંથી આવી રહેલો દારૂ પણ ઝડપી રહ્યા છે. ત્યારે વલસાડ જિલ્લા પોલીસવડાને એક બંગ્લામાં દારૂ પાર્ટી ચાલી રહી હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે SP રાજદીપસિંહે પોતે લોકલ ક્રાઇમબ્રાંચને સાથે રાખીને દરોડો પાડ્યો હતો.
વલસાડના અતુલ ખાતે મુકુંદ ફર્સ્ટ ગેટ પર સન્ની બાવીસકર નામના એક વ્યક્તિનાં જન્મદિવસની પાર્ટી ચાલી રહી હતી. આ પાર્ટીમાં કુલ 19 લોકો દારૂની મહેફીલ માણતા રંગેહાથ ઝડપાયા હતા. આ લોકોમાં 1 PSI અને 3 કોન્સ્ટેબલ પણ ઝડપાયા હતા. આ ઉપરાંત દારૂની 18 બોટલો પણ મળી આવી હતી. ઝડપાયેલા લોકો પાસેથી મોંઘા મોંઘા મોબાઇલ, ગાડી, બાઇક સહિતનો મુદ્દામાલ ઝડપાયો હતો જે પોલીસ દ્વારા હાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે.
એક તરફ દારૂના કારણે જ્યારે સમગ્ર ગુજરાતમાં હાહાકારની સ્થિતિ છે. 36 થી વધારે લોકોનાં મોત થઇ ચુક્યાં છે. 100 થી વધારે લોકો જીવનમરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. ત્યારે પોલીસ અધિકારી દારૂ પિતા ઝડપાય તે પોલીસ વિભાગ માટે પણ ખુબ જ શરમજનક સ્થિતિ છે. હાલ તો આ ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે.
ADVERTISEMENT