Surat Crime News: સુરત પોલીસ કંટ્રોલમાં ફોન કરીને શહેરમાં ત્રણ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે, પોલીસને હેરાન કરવા માટે આ ફોન કરાયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
ADVERTISEMENT
ગઈકાલે સાંજે કંટ્રોલ રૂમમાં આવ્યો હતો ફોન
શનિવારે સાંજે સુરત શહેરના પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે શહેરના ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં રાત્રે 12:00 વાગ્યે બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે. ફોન કરનારે ન તો પોતાનું નામ આપ્યું હતું કે ન તો કયાં વિસ્તારમાં બોમ્બ બ્લાસ્ટ થવાના છે તેની માહિતી આપી હતી.
પોલીસની ટીમ થઈ હતી દોડતી
જે બાદ સુરત પોલીસની અલગ-અલગ ટીમોએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરનારને શોધવાનું શરૂ કર્યું હતું. ઘણા પ્રયત્નો પછી પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને માનવ સંસાધનોના આધારે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કોલ કરનાર અશોક સિંહની ધરપકડ કરી હતી.
મૂળ UPના યુવકની કરાઈ ધરપકડ
આ મામલે સુરત શહેર DCP ભગીરથ ગઢવીએ કહ્યું કે, મૂળ ઉત્તર પ્રદેશના જૌનપુરનો રહેવાસી અશોક સિંહ સુરતમાં રોજમદાર તરીકે કામ કરે છે. આ એ જ વ્યક્તિ છે જેણે શનિવારે સાંજે લગભગ 7.30 વાગ્યે સુરત સિટી પોલીસના કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો અને શહેરના ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી. જે બાદ પોલીસની જુદી જુદી ટીમોએ કોલ કરનાર આ અજાણ્યા વ્યક્તિની શોધખોળ શરૂ કરી હતી.
યુવકની કરાઈ રહી છે પૂછપરછ
તેઓએ જણાવ્યું કે, સુરત ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની જુદી જુદી ટીમોએ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન કોલ કરનાર વ્યક્તિ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવાનું સામે આવ્યું હતું. જે બાદ અશોક સિંહની ધરપકડ કરવામાં આવી હતી. હવે પોલીસ આ કોલ કરવા પાછળનો હેતુ શોધી રહી છે. હજુ સુધી તેનો કોઈ ગુનાહિત રેકોર્ડ પોલીસના ધ્યાનમાં આવ્યો નથી.
રિપોર્ટઃ સંજયસિંહ રાઠોડ, સુરત
ADVERTISEMENT