K Kailashnathan : ગુજરાત કેડરના પૂર્વ IAS અધિકારી કે.કૈલાસનાથનને પુડુચેરી (Puducherry)ના લેફ્ટનન્ટ ગવર્નર (LG) બનાવાયા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મોડી રાત્રે કરેલા ઓર્ડરમાં તેમની નિમણૂક કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં રાજકીય અને શાસકીય ઈતિહાસમાં 4 મુખ્યમંત્રી અને 6 સરકારો સાથે કામ કરનારા સૌથી પાવરફુલ અધિકારી કે. કૈલાસનાથનનો ગત મહિને કાર્યકાળ પૂર્ણ થયો હતો અને 30 જૂને તેમને ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફેરવેલ આપી હતી.
ADVERTISEMENT
મીડિયામાં સમાચાર થયા હતા પ્રકાશિત
જે બાદ મીડિયામાં એવા સમાચાર પ્રકાશિત થયા હતા કે, ગુજરાતના મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથનને હવે એક્સ્ટેન્શન નહીં અપાય. મીડિયામાં આ સમાચાર આવ્યા બાદ એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેમને દિલ્હી લઈ જવામાં આવી શકે છે અથવા કોઈ રાજ્યના રાજ્યપાલ બનાવવામાં આવી શકે છે. ત્યારે હવે તેમને પુડુચેરી (Puducherry)ના લેફ્ટનન્ટ ગવર્નર (LG) બનાવાયા છે.
2009માં કરાઈ હતી નિમણૂંક
આપને જણાવી દઈએ કે, કે. કૈલાસનાથનને 2009માં મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં મુખ્ય સચિવ તરીકે નિમાયા હતા. તેઓ 33 વર્ષના પ્રભાવશાળી કાર્યકાળ પછી 2013માં ગુજરાતમાં અધિક મુખ્ય સચિવના પદ પરથી નિવૃત્ત થયા હતા.
4 મુખ્યમંત્રી સાથે કરી ચૂક્યા છે કામ
1979ના ગુજરાત કેડરના પ્રતિષ્ઠિત નિવૃત્ત IAS અધિકારી કે.કૈલાસનાથન ભારતીય વહીવટી સેવામાં તેમની અદભૂત સેવા માટે જાણીતા છે. કે. કૈલાસનાથન નરેન્દ્ર મોદી સહિત 4 મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલના વિશ્વાસુ અધિકારી રહ્યા. 2013માં નિવૃત્ત થયા હોવા છતાં કે. કૈલાસનાથનના અતૂટ સમર્પણે તેમને મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં સક્રિયપણે સામેલ રાખ્યા છે.
2013માં બનાવાયા CMના મુખ્ય અગ્ર સચિવ
2013માં નિવૃત્ત થયા બાદ કે.કૈલાસનાથનની મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ પદ તેમના માટે ખાસ બનાવવામાં આવ્યું હતું. તેમને નિવૃત્તિ બાદ સતત એક કે બે નહીં 11 વખત એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું.
ગુજરાતના સૌથી પાવરફુલ અધિકારી રહ્યા
ગુજરાતના રાજકારણમાં ભાગ્યે જ કોઈ એવું હશે કે જે કે. કૈલાસનાથનને જાણતું ન હોય. કે. કૈલાસનાથન વર્ષોથી ગુજરાતના સૌથી પાવરફુલ અધિકારી રહ્યા છે, પરંતુ તેમ છતાં તેમનું નામ ક્યારેય કોઈ વિવાદમાં ઢસડાયું નથી. દક્ષિણ ભારતના વતની કે.કૈલાશનાથન ઉટીમાં મોટા થયા છે. તેમના પિતા ટપાલ ખાતામાં નોકરી કરતા હતા.
અનેક હોદ્દાઓ પર નિભાવી ચૂક્યા છે ફરજ
કે. કૈલાસનાથને સિવિલ સર્વિસમાં પસંદગી બાદ 1981માં આસિસ્ટન્ટ કલેક્ટર જુનિયર ટાઈમ સ્કેલ તરીકે કારકિર્દી શરૂ કરી હતી. 1981માં મદદનીશ કલેક્ટર તરીકે શરૂ થયેલી ઉમદા કારકિર્દી સાથે કૈલાશનાથન સુરેન્દ્રનગર અને સુરતના કલેક્ટર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને પ્રખ્યાત BRTS (બસ રેપિડટ્રાન્ઝિટ સિસ્ટમ) પ્રોજેક્ટ)ની સ્ટીયરિંગ કમિટીના અધ્યક્ષ સહિત વિવિધ મુખ્ય હોદ્દાઓ પર સેવા આપી ચૂક્યા છે.
ADVERTISEMENT