રોનક જાની/નવસારી : નવસારીના સમરોલી ગામે સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે દરોડા પાડીને 8.32 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેના પગલે સ્થાનિક પોલીસ સામે સવાલો ઉઠી રહ્યા છે. 31st ની તૈયારીમાં દારૂ વેપાર કરતા માતા-પુત્રની ધરપકડ સાથે અન્ય ચાર જેટલાને વોન્ટેડ જાહેર કર્યા છે.
ADVERTISEMENT
સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા
ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલે નવસારી ચીખલી હાઇવે ટાઉન પોલીસ ચોકીથી નજીકમાં જ હોમ રેઇડ કરી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ચીખલી પોલીસ સ્ટેશન નજીક વિદેશી દારૂની બોટલો પકડાતા સ્થાનિક પોલીસની પોલ ખુલી ગઈ હતી. 31st પહેલાં જ્યારે રાજ્યભરની પોલીસ દારૂની હેરાફેરી ઉપર નજર રાખતી હોય છે, ત્યારે ચીખલી પોલીસ ઉંધતી ઝડપાઇ હતી. અન્ય પોલીસ સ્ટેશનોના અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
મરઘાં ફાર્મ માં સંતાડેલો હતો દારૂનો જથ્થો
સ્ટેટ મોનીટરીંગ સેલને મળેલ બાતમીના આધારે શનિવારે બપોરે સમરોલીના કાળાપુલ ફળીયામાં રેડ કરી આરોપી બાવીબેન ઠાકોરભાઈ પટેલના રહેણાંક મકાનમાં તથા મકાનની પાછળના ભાગે ખુલ્લા ખેતરમાં અને મરધા ફાર્મમાં સંતાડી રાખેલ વિદેશી દારૂની બોટલ અને બિયરના ટીન કુલ-5956 નંગ 8,32,805 રૂપિયાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સાથે બે મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા મળી કુલ્લે રૂ8,41,505 નો મુદ્દામાલ કબ્જે કરી દારૂનું વેચાણ કરનાર બાવીબેન ઠાકોરભાઈ પટેલ તથા ધર્મેશ ઠાકોરભાઈ કો.પટેલ (બંને રહે.સમરોલી કાળાપુલ તા.ચીખલી) એમ બંને માતા-પુત્રની ધરપકડ કરી છે.
દારૂ મોકલનાર અંગે પણ તપાસ ચાલુ
દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર તેમજ આપી જનાર અજય ઉર્ફે અજય બાલુભાઈ પટેલ (રહે.મોગરાવાડી રૂમલા તા.ચીખલી),જલુ નામનો વ્યકતિ, અજય ઉર્ફે એલેક્ષ ચંદ્રકાન્ત હળપતિ (રહે.ગણદેવી-કસ્બા ફળીયા તા.ગણદેવી) તથા સૂરજ ઉર્ફે બાબુ દિપક પટેલ (રહે.સમરોલી કુંભરવાડ તા.ચીખલી) એમ ચાર જેટલાને વોન્ટેડ જાહેર કરી વધારે તપાસ આદરી છે.
ADVERTISEMENT