મોરબી : ઝૂલતો પુલ તુટવાની ઘટનાથી સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો હતો. પીએમ મોદી ગુજરાત પ્રવાસે હતા અને ગુજરાતમાં ચૂંટણી નજીકમાં છે ત્યારે બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર ગુજરાત ઉપરાંત દેશનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. જો કે આ દુર્ઘટનામાં ભોગ બનેલા લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, અમને સરકાર પર વિશ્વાસ નથી માટે સુપ્રીમકોર્ટની દેખરેખ હેઠળ જ સમગ્ર કાર્યવાહી કરવામાં આવે.
ADVERTISEMENT
હાઇકોર્ટે સ્વયંસંજ્ઞાન લઇને આ મુદ્દે સુનાવણી શરૂ કરી
જો કે આ મુદ્દે હવે ગુજરાત હાઇકોર્ટે સ્વયંસંજ્ઞાન લીધું છે અને આ અંગે સરકારને જવાબ રજુ કરવા માટે જણાવાયું છે. હાઇકોર્ટે મોરબીના કલેક્ટર, ગૃહવિભાગ, પાલિકા, અર્બન હાઉસિંગ, હ્યુમન રાઇટ્સ અને જવાબદાર અધિકારીઓને નોટિસ ફટકારીને જવાબ રજૂ કરવા જણાવ્યું છે. હાઇકોર્ટે મોરબીની ઘટનામાં 135 લોકોના મૃત્યુના સમાચારને ધ્યાને લેવા માટે રજીસ્ટ્રીને સુચન કર્યું છે. સુનાવણી 14 નવેમ્બરે હાથ ધરવામાં આવશે.
શંકરસિંહ વાઘેલા પણ આ અંગે પત્ર લખી ચુક્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ જ શંકરસિંહ વાઘેલા ચીફ જસ્ટિસને પત્ર લખીને ચીફ જસ્ટિસને સુઓમોટો લઇને ફરિયાદ દાખલ કરવા માટે જણાવ્યું હતું. તપાસથી કશુ નહી વળે અને હાઇકોર્ટે આ અંગે ગંભીરતાથી પગલા ભરીને લોકોમાં વિશ્વાસ સંપાદન કરવું જોઇએ તેવી અપીલ કરી હતી. આ પત્ર ખુબ જ વાયરલ પણ થયો હતો. જો કે હાઇકોર્ટે હવે પોતાની નૈતિક ફરજ સમજીને આ મુદ્દે સ્વયં સંજ્ઞાન લીધું છે. ત્યારે સરકાર આ અંગે શું જવાબો રજુ કરે છે તે જોવું રહ્યું.
ADVERTISEMENT