અમદાવાદ : બરવાળાના રોજિદ ગામમાં લઠ્ઠાકાંડ થયો અને સમગ્ર ગુજરાત તથા તેનું તંત્ર ઉંઘતુ ઝડપાયું. જેમ જેમ મોતનો આંકડો અને અસરગ્રસ્ત વધતા ગયા તેમ તેમ આ મુદ્દો વિશાળ અને આખરે વિકરાળ બની ગયો. સરકાર પર કાર્યવાહીનું દબાણ આવ્યું અને ગૃહવિભાગે મોડે મોડે પણ આ સમગ્ર મામલે 7 અધિકારીઓની બદલી અને સસ્પેન્શન કર્યા. જો કે આની તપાસ કરવા માટે SIT ની પણ રચના કરવામાં આવી. હવે આ SIT જે કંપનીમાંથી મિથેનોલ ચોરી કરવામાં આવ્યુંહોવાનો દાવો થઇ રહ્યો છે ત્યાં પહોંચી છે. સીસીટીવી, કેમિકલનાં રેકોર્ડ મેઇન્ટેનર સહિતનાં મુદ્દે તપાસ ચલાવવામાં આવી રહી છે.
ADVERTISEMENT
કંપની અને દારૂ ગાળનાર બુટલેગર નજીકના સંબંધી
AMOS કંપનીમાંથી આ કેમિકલ ચોરી થયાનો સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યા છે. સરકારનો દાવો છે કે પ્રાથમિક તપાસમાં આ કંપનીમાંથી કેમિકલ ચોરી થઇ હતી અને તે કેમિકલમાં 20 ટકા પાણી ભેળવીને સીધુ જ લોકોને પીવા માટે આપી દેવામાં આવ્યું. જેના કારણે આ સમગ્ર કાંડ સર્જાયો હતો. તેથી આ લઠ્ઠાકાંડ નહી પરંતુ કેમિકલ કાંડ હોવાનું સરકાર સાબિત કરવા માટેના પ્રયાસો કરી રહી છે. SIT પણ આ અંગે તપાસ ચલાવી રહી છે.
સીટ દ્વારા કેમિકલ થિયરી પર તપાસ
SIT ની ટીમ આરોપી જયેશને લઇને કંપનીમાં પહોંચી હતી. કેમિકલ કઇ રીતે લોડ કરવામાં આવ્યું, કઇ કઇ જગ્યાએ કેમિકલ જતું હતું વગેરે પાસાઓ પર તપાસ ચલાવાઇ રહી છે. ફેક્ટરીનો માલિક અને દારૂ બનાવનાર વ્યક્તિ પણ નજીકનાં સંબંધિ હોવાના કારણે આ મુદ્દે તપાસ ચાલી રહી છે. આ વેપાર લાંબા સમયથી ચાલી રહ્યો હોવાનું માનવામાં આવે છે. કેટલા સમયથી આ રેકેટ ચાલતું હતું તે અંગે પણ હાલ તપાસ ચલાવાઇ રહી છે.
સફાળી જાગેલી સરકારની તાબડતોબ કાર્યવાહી
લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 40 થી વધારે લોકોના મોત થઇ ચુક્યાં છે. સરકાર પણ હવે કડક કાર્યવાહી દેખાડવાના મોડમાં આવી ચુકી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમા બોટાદના SP કરણરાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્યના SP વિરેન્દ્રસિંહ યાદવની તત્કાલ અસરથી બદલી કરી દેવાઇ હતી. જ્યારે બોટાદ અને ધોળકાના Dy.SP ને સસ્પેન્ડ કરાયા હતા. આ ઉપરાંત ધંધુકાના PI કે.પી.જાડેજાને પણ સસ્પેન્ડ કરી દેવાયા હતા. Dy.SP, ઇન્સ્પેક્ટર સહિત 8 ઓફિસરો સસ્પેન્ડ કરાયા છે. આજે વધુ 7 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા છે. પોલીસ દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગણી કરાઇ છે.
ADVERTISEMENT