હિતેશ સુતરિયા/અરવલ્લી : આખો દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે, ત્યારે આ વર્ષે રાજ્ય કક્ષાના 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અરવલ્લી જિલ્લામાં થવાની છે. રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત જિલ્લામાં મુખ્ય 3 કાર્યક્રમ યોજાશે. જેમાં એક 14મી ઓગસ્ટના રોજ સાંજે મોડાસાના એન્જિનિયરિંગ કોલેજની પાછળ આવેલા મેદાનમાં યોજાશે. આ એટહોમ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આમંત્રિત મહેમાનો સાથે શુભેચ્છા મુલાકાત કરશે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી આમંત્રિત મહેમાનો સાથે શુભેચ્છા મુલાકાત કરશે.
ADVERTISEMENT
14મી ઓગસ્ટ સાંજે 6.30 કલાકે મોડાસાના એન્જિનિયરિંગ કોલેજની પાછળ આવેલા મેદાનમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી હાજર રહેશે. આ કાર્યક્રમમાં જિલ્લાને મદદરૂપ થનારા અને વિશિષ્ઠ વ્યક્તિઓનાં સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાની પરિચય પુસ્તિકા અને કોફી ટેબલ બૂકના વિમોચન કરવામાં આવશે. રમત ગમત અને યુવા વિકાસ વિભાગ દ્વારા આયોજિત ભવ્ય રંગારંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવશે. આ કાર્યક્રમ લોકોમાં આઝાદીની ઉજવણીને પગલે દેશપ્રેમની ઝલક આપશે.
15મી ઓગસ્ટ સવારે 9.00 કલાકે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. જેમાં મુખ્યમંત્રી ધ્વજ ફરકાવશે. રાષ્ટ્રગાન, હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા અને દેશભક્તિ ગીતો સાથે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે. રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવશે. ત્યાર બાદ પોલીસ બેન્ડ પણ પર્ફોમન્સ આપશે. પોલીસ વિભાગ દ્વારા પરેડ, મોક ડ્રીલ, મોટરસાઇકલ સ્ટંટ શો, ડોગ શો, અશ્વ શો યોજવામાં આવશે. આ સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ સ્થળની બાજુમાં વૃક્ષારોપણ પણ કરાશે.
જો કે આ સમગ્ર કાર્યક્રમમાં ઉડીને આંખે વળગે તેવી બાબત છે કે, આ કાર્યક્રમ જે સ્થળ પર આયોજિત થવાનો છે તેના વિશાળ ડોમને ત્રિરંગા કલરમાં રંગવામાં આવશે. ડોમની આખી છત ત્રિરંગાના રંગે રંગાઇ જશે. આ ઉપરાંત ડોમની ઝાલર સહિતની તમામ બાબત ત્રિરંગાની થીમ પર જ હશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલ પણ હાજર રહેશે.
ADVERTISEMENT