સુરત : ગુજરાતમાંથી ગુમ થયેલા બાળકોને શોધવા પોલીસ હંમેશા સક્રિય હોય છે. કામરેજના કઠોર વિસ્તારમાંથી ગુમ થયેલી બાળકી વડોદરાના કરજણમાં હોવાની બાતમી કામરેજ પોલીસને મળતા તે તત્કાલ વડોદરા ખાતે પહોંચી હતી. વડોદરામાંથી પોલીસને બાળકી મળી આવી હતી. આ સાથે જ બાળકી સાથે એક પતિ-પત્નીને પોલીસે ઝડપી લીધા હતા. આ દંપતીની પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી. આ દંપત્તીએ વર્ષ 2017માં બાળકીનું અપહરણ કર્યું હતું.
ADVERTISEMENT
ઘટનાની માંડીને વાત કરીએ તો કામરેજના કઠોર CSC સરકારી હોસ્પિટલમાંથી સુફિયાબેન મોહમ્મદ અન્સારી નામની એક મહિલાનું એક દિવસની બાળકીનું અજાણ્યા ઈસમો દ્વારા રસી મુકવાના બહાને આ અપહરણ કરાયું હતું. જેનો ગુનો કામરેજ પોલીસ મથકમાં 2017 માં ગુનો નોંધાયો હતો. આ ગુમ થયેલા બાળકને શોધવા માટે કામરેજ પોલીસ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. જો કે બાળકી મળી નહોતી. જો કે અચાનક 6 વર્ષ બાદ આ બાળકી અંગે પોલીસને બાતમી મળી હતી.
જેથી તત્કાલ કામરેજ પોલીસ વડોદરા પહોંચી હતી. બાળકી સાથે રહેલા દંપતીને પોલીસે ઝડપી લીધું હતું. પોલીસ પુછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. 2017માં આ બાળકીનું અપહરણ એટલા માટે કર્યું હતું કે, આરોપી કમલેશ ઓડ અને નયના લગ્ન 2014 માં થયા હતા. જો કે કોઇ સંતાન થતું નહોતું. પત્ની નયનાને વારંવાર મિસ ડીલિવરી થઇ હતી. જેથી તેનો પરિવાર નિરાશ થયો હતો. ત્રીજી વાર મિસ ડીલિવરી થતા કમલેશ અને નયનાએ પોતાના પરિવારમાં એવી વાત ફેલાવી કે નયનાને ગર્ભ રહી ગયો છે. સમાજના રીત રિવાજ અનુસાર શ્રીમંત પણ કરવામાં આવ્યું હતું. પતિ કમલેશ 108 એમ્બયુલન્સમાં કિમ ખાતે ઈ. એમ. ટી તરીકે ફરજ બજાવતો હતો. જેથી કામરેજની કઠોર સરકારી દવાખાનામાંથી એક બાળકીને ઉઠાવી હતી. પોતે 108 માં ફરજ બજાવતો હોવાથી રાત્રે મુસ્લિમ દંપત્તિના તાજા જન્મેલા બાળકને રસી આપવાની કહી બાળકને ઉઠાવીને ફરાર થઇ ગયો હતો. બાળકને લઇને અમદાવાદ લઇ ગયા બાદ પોતાના વતન ખાતે ગયો હતો. ત્યાર બાદ તે વડોદરા ખાતે રહેવા લાગ્યા હતા. આજે એ બાળક 6 વર્ષથી વધારેની ઉંમરનું થઇ ચુક્યું છે. દંપતીએ બાળકનું નામ સ્મિથ રાખ્યું છે.
પોલીસે કેસ તો ઉકેલી નાખ્યો પરંતુ હવે તે પણ મુંઝવણમાં છે. કારણ કે બાળકનો ઉછેર અને વિકાસ એક હિન્દુ બાળક તરીકે થયો છે. સ્મિથ પોતે પણ પોતાના અસલી માં-બાપ પાસે જવા તૈયાર નથી. તે કમલેશ અને નયનાને જ પોતાના માં-બાપ સમજે છે. સમજાવવાના અનેક પ્રયાસો છતા પોતાના અસલી માં-બાપ પાસે જવા તૈયાર નથી. બાળકનો કબ્જો કોને આપવો તે કોર્ટ નક્કી કરશે. વિધીની વિડંબના જ છે કે, જન્મદાત્રી પોતાના બાળકને ક્યારેય ખોળામાં રાખી રમાડી શકી નથી. જ્યારે પાલક માતા હવે પોતાના બાળકને રમાડી શકે તેમ નથીકારણ કે તે જેલના સળીયા પાછળ છે. હાલ પોલીસ સહિત જે પણ આ કેસ વિશે જાણે છે તે ભારે પરેશાન છે.
ADVERTISEMENT