Rajkot Game Zone Fire Update: રાજકોટ અગ્નિકાંડ મામલે SITના ઈન્ટ્રીમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે, SITના રિપોર્ટ બાદ ગુજરાત સરકારે હાઈકોર્ટમાં એફિડેવિટ કર્યું છે. STIને ગંભીર તપાસ માટે હજુ પણ સમયની જરૂર હોવાનો રાજ્ય સરકારનો સોગંદનામાં ઉલ્લેખ કરાયો છે. આપને જણાવી દઈએ કે, કુલ 10 મુદ્દાઓને આધારે SITએ રાજ્ય સરકારને પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો છે.
ADVERTISEMENT
પોલીસ સહિત કોર્પોરેશનની ગંભીર બેદરકારી
સમગ્ર ઘટનામાં પ્રાથમિક રીતે પોલીસ વિભાગ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટ માર્ગ અને મકાન વિભાગની ગંભીર બેદરકારી અને નિષ્કાળજી સામે આવી છે. પોલીસ વિભાગના લાયસન્સ શાખાના તથા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરે કોઈપણ પ્રકારની ખરાઈ કર્યા વગર પરફોર્મન્સ લાયસન્સ આપ્યું હોવાનો SIT રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ત્રણ વર્ષ સુધી કેમ આંખ આડા કાન કર્યા?
તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયર વિભાગની સીધી રીતે ગંભીર બેદરકારી આવી સામે છે. ત્રણ વર્ષથી ગેમ ઝોન ચાલતું હોવા છતાં પણ કોઈ પગલા ન લેવાયા હોવાનો SIT રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે TRP ગેમ ઝોન રહેણાક હેતુ માટે બિનખેતીની જમીન હોવા છતાં ત્યાં શરૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગેમ ઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે માત્ર એક જ રસ્તો હતો અને તે પણ શેડમાં બાંધેલો હતો. ઈમરજન્સી દરમિયાન શું કરવું તેની કોઈ પણ વ્યવસ્થાઓ કરવામાં આવી ન હતી.
ફાયર સિસ્ટમમાં નહોતું પાણીનું કનેક્શન
આગ લાગ્યા બાદથી પ્રથમ માળે જવા માટે માત્ર ચારથી પાંચ ફૂટની એક સીડી રાખવામાં આવી હતી અને તે પણ ભયજનક હોવાને કારણે પ્રથમ માળે પહોંચી ન શકાયુ હોવાનો SIT રિપોર્ટમાં ઉલ્લેખ છે. સ્નો પાર્કની કામગીરી દરમિયાન ગેમ ઝોનમાં આગ લાગી હોવાનું તારણ સામે આવ્યું છે. ફાયર સિસ્ટમમાં પણ પાણીનું કનેક્શન આપ્યું જ ન હોવાનો SIT રિપોર્ટમાં ખુલાસો થયો છે. આખા ગેમ ઝોનમાં એક માત્ર ડ્રાય કેમિકલ પાવડર એકસટ્રીગ્યુસર હતો.
રાજ્ય સરકારે હાઈકોર્ટ દાખલ કર્યું સોગંદનામું
ગો કાર્ટિંગની જગ્યા પાસે મોટી માત્રામાં ફ્યુલ ઈન્ટેક મળ્યા હોવાનો પણ SIT રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. SITના રિપોર્ટ બાદ રાજ્ય સરકારે હાઈકોર્ટ સોગંદનામામાં ઉલ્લેખ કર્યો છે. STIને ગંભીર તપાસ માટે હજુ પણ સમયની જરૂર હોવાનો રાજ્ય સરકારનો સોગંદનામાં ઉલ્લેખ કરાયો છે.
શું બન્યો હતો બનાવ?
રાજકોટ માટે 25 મેનો દિવસ કાળો સાબિત થયો કારણ કે શહેરના નાના મૌવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં કુલ 27 જેટલા કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. આ બનાવથી આખું ગુજરાત હચમચી ગયું હતું. રાજ્યના મોટા નેતાઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જવાબદાર સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
પોલીસ પોતે બની હતી ફરિયાદી
આ કેસમાં રાજકોટ તાલુકા પોલીસ પોતે ફરિયાદી બની હતી. પોલીસે આ મામલે આઈ.પી.સી કલમ 304, 308, 337, 338, 114 મુજબ કુલ 6 લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી. જેમાં ધવલભાઈ ભરતભાઈ ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઈ રાઠોડનો સમાવેશ થાય છે.
અધિકારીઓને કરાયા હતા સસ્પેન્ડ
જે બાદ આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો, જેમાં હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી હતી અને જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. રાજ્ય સરકારે ગૌતમ જોશી - આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર, રાજકોટ મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ શાખા, જયદીપ ચૌધરી - આસિસ્ટન્ટ એન્જિનિયર, રાજકોટ મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ શાખા, એમ.આર. સુમા - નાયબ કાર્યપાલક ઈજનેર, રાજકોટ બાંધકામ માર્ગ અને મકાન વિભાગ, વી.આર. પટેલ - પોલીસ ઈન્સ્પેક્ટર, રાજકોટ રીડર શાખા, એન. આઈ. રાઠોડ - પોલીસ ઈન્સ્પેક્ટર, ગાંધીગ્રામ - 2 (યુનિવર્સિટી), પારસ કોઠીયા - નાયબ કાર્યપાલક ઈજનેર, રાજકોટ અને રોહિત વિગોરા - સ્ટેશન ઓફિસર, ફાયર
એન્ડ ઈમરજન્સી સર્વિસીસ, રાજકોટ મહાનગરપાલિકાને સસ્પેન્ડ કર્યા હતા. તો કેટલાક મોટા અધિકારીઓની બદલી પણ કરી નાખી હતી.
ADVERTISEMENT