અમદાવાદ: શહેરના ઈસ્કોન બ્રિજ પર ગુરુવારે મોડી રાત્રે થયેલા અકસ્માતના બનાવમાં 10 લોકોના મોત થઈ ગયા. કર્ણાવતી ક્લબથી રાજપથ ક્લબ તરફ જતા ઈસ્કોન બ્રિજ પર થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. જેને જોવા લોકો ઉમટ્યા હતા, દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી જગુઆર કારે લોકોને કચડી નાખ્યા હતા. આ ઘટનાને લઈને હવે તથ્ય પટેલના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ત્યારે અકસ્માતની ઘટનાને લઈને તથ્ય પટેલ સાથે કારમાં રહેલ યુવતીએ કારની સ્પીડને લઈ મોટો ખુલાસો કર્યો છે.યુવતીએ તથ્ય પટેલને કાર ધીરે ચલાવવાનું કહ્યું હતું પરંતું તે માન્યો નહિ અને અકસ્માત થયો.
ADVERTISEMENT
તથ્ય પટેલ સાથે તેની કારમાં આર્યન પંચાલ, શાન સાગર, ધ્વનિ પંચાલ, શ્રેયા વઘાસિયા અને માલવિકા પટેલ નામના મિત્રો પણ હતાં. આ તમામ લોકો છેલ્લા એક વર્ષથી મિત્રો હતા. આર્યન અને ધ્વનિ ભાઈ-બહેન છે. સોશિયલ મીડિયા અને કાફેની મુલાકાતો દ્વારા જ તમામ લોકો વચ્ચે મિત્રતા થઈ હતી અને આ પહેલાં પણ અગાઉ એકબીજા સાથે ફરવા જતાં હતાં. ત્યારે અકસ્માતની ઘટના સમયે પણ બધા સાથે હતા અને કેફે માંથી બધા બહાર આવી રહ્યા હતા આ સમયે અકસ્માત થયો જેમાં 10 લોકોના મૃત્યુ થયા છે. તથ્ય કાર ચલાવતો હતો અને તેની બાજુમાં એક છોકરી બેઠી હતી, બાકીના બધા મિત્રો પાછળ બેસ્યા હતા. કુલ 6 લોકો કારમાં સવાર હતા.
સ્પીડને લઈને કર્યો મોટો ખુલાસો
તથ્ય પટેલની સાથે રહેલા તેના મિત્રોની પણ તપાસ ટીમે અલગ અલગ રીતે બેસાડીને નિવેદનો લીધા હતા અને તપાસ ટીમને આ તમામ નિવેદનોમાં અલગ અલગ નિવેદનો હોવાનું જાણવા મળ્યું છે. કારમાં તથ્યની સાથે રહેલી 3 યુવતી પૈકી એક યુવતીએ કારની સ્પીડ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે . યુવતીએ પોલીસ પૂછપરછમાં કહ્યું કે, રાતે જ્યારે કેફેથી નીકળે ત્યારે તથ્ય પૂરઝડપે કાર ચલાવી રહ્યો હતો. તથ્ય કાર ધીમી ચલાવ. પરંતુ તે કઈ સમજવી રહ્યો ન હતો અને કારની સ્પીડ વધતી વધતી 100થી આગળ વધી ગઈ. એને ધડાક લઈને કારનો અકસ્માત થયો હતો.
ફરી કરાયું અકસ્માતનું રિકન્સ્ટ્રક્શન
ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં તપાસ માટે રચાયેલી તપાસ ટીમના સભ્યો અને એફએસએલ અધિકારીઓએ સમગ્ર બનાવનું રિકન્ટ્રક્શન કરી અકસ્માત કેવી રીતે સર્જાયો હશે તેના ટેક્નિકલ પાસા સહિતના વિવિધ પાસાની તપાસ કરી હતી. શુક્રવારે મોડી રાત સુધી ઘટનાને સમજવામાં આવી હતી. રિકન્સ્ટ્રક્શનમાં પહેલા ડમ્પર અને થાર કારને લાવવામાં આવી હતી. ઇસ્કોન બ્રિજ પર થાર અને ડમ્પરને એ જ પોઝિશનમાં ગોઠવવામાં આવી હતી. જે બાદ જેગુઆર કારને લાવી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. થાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માત બાદ ઘટના સ્થળે ટોળું હાજર હતું, ત્યારે ગઈકાલે રાત્રે રિકન્સ્ટ્રક્શન કરતી વખતે ટોળાને હાજર રાખવામાં આવ્યું હતું.
બ્લડ આલ્કોહોલ રિપોર્ટમાં જાણો શું આવ્યું
બહુ ચર્ચિત જેગુઆર કાંડમાં મોટો ખુલાસો થયો છે. આ અંગે પશ્ચિમ ટ્રાફિક DCP નિતા દેસાઇએ જણાવ્યું કે, કેટલીક બાબતોમાં હજુ તપાસ અધુરી છે. આરોપીના બ્લડ રિપોર્ટમાં તેમજ મિત્રોના રિપોર્ટમાં ક્યાંય આલ્કોહોલનું સેવન કર્યાનું સામે આવ્યુ નથી તેમજ કારમાં મસ્તી કરતા હતા કે શું હતુ તે બાબતની તપાસ બાકી છે. અકસ્માતના દિવસે કોની કોની સાથે નીકળ્યો હતો તેમજ કઈ કઈ જગ્યાએ ગયા હતા, શું પ્રવૃત્તિ કરી હતી, આ તપાસ બાકી છે. અમુક સવાલોના જવાબ આપવામાં તથ્ય અચકાઈ રહ્યો છે. જેમાં કારની સ્પીડ અંગે પણ તથ્ય ચોક્કસ જવાબ આપી શક્યો નથી.
તથ્ય ત્રણ દિવસના રિમાન્ડ પર
ઉલ્લેખનીય છે કે, પોલીસે જેગુઆર કાંડના બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટ પાસેથી પોલીસે તેમના પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. આ કોર્ટ કાર્યવાહી દરમિયાન સરકારી વકીલે એવું પણ કહ્યું હતું કે, આરોપી પોલીસને સહકારી આપી રહ્યા નથી. કોર્ટે આરોપી પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશ્યલ કસ્ટડીમાં ધકેલ્યો છે. તથ્ય પટેલ અંગે કોર્ટ 3 દિવસના રિમાન્ડ માન્ય રાખ્યા છે. તથ્ય પટેલને લઈને કરવામાં આવેલી વકીલની સક્ષમ દલીલો અને પોલીસની કાર્યવાહીને જોતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ માન્ય રાખ્યા છે.
ADVERTISEMENT