અમદાવાદ: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે કાર હંકારીને 9 લોકોના જીવ લેનારા તથ્ય પટેલને પૂછપરછ બાદ હાલ તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. કસ્ટડી બાદ પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં કેટલીક બાબતોનો ખુલાસો કર્યો હતો. જેમાં તથ્ય પટેલ ઓવરસ્પીડમાં કાર ચલાવવાનો શોખીન હોવાનું પણ સામે આવ્યું છે અને તેણે પાછલા મહિને જ ઓવરસ્પીડના નિયમને 25 વખત તોડ્યો હતો.
ADVERTISEMENT
તથ્ય પટેલના અકસ્માત કેસની તપાસમાં પોલીસે સીસીટીવી ખંગાળતા અનેક બાબતો સામે આવી છે. જેમાં તથ્ય પટેલે પાછલા મહિને જ 25 વખત ઓવરસ્પીડમાં વાહન ચલાવ્યાનું જાણવા મળ્યું. જોકે મહત્વપૂર્ણ વાત એ છે કે ઓવરસ્પીડમાં વાહન ચલાવતા લોકોને 100થી વધુ ઈ-ચલણ આપવાનું કહેતી ટ્રાફિક પોલીસે તથ્ય પટેલની થાર અને જગુઆર કારને એક પણ ઈ-ચલણ આપ્યું નથી.
તો બીજી તરફ તથ્ય પટેલ અકસ્માત કેસ મામલે કારમાં સાથે બેઠેલા મિત્રો જ તાજના સાક્ષી બન્યા છે. 142ની સ્પીડે કાર ચલાવીને 9 નિર્દોષ લોકોના જીવ લેનારા નબીરા તથ્ય પટેલ સાથે કારમાં સવાર 2 યુવકો અને 3 યુવતીઓએ મેજિસ્ટ્રેટ સમક્ષ CRPCની કલમ 164 મુજબ નિવેદન આપ્યા છે. તથ્ય પટેલના મિત્રો જ તાજના સાક્ષી બનતા આ કેસ વધુ મજબૂત બન્યો છે.
31મી ડિસેમ્બરે પણ તથ્યએ કારનો અકસ્માત કર્યો હતો
નબીરા તથ્ય પટેલે 31મી ડિસેમ્બર 2022ના રોજ મોડી રાત્રે જગુઆર કાર લઈને જતા અકસ્માત સર્જ્યો હતો. તથ્યએ શીલજ રોડ પર જગુઆર કારને થાંભલા પર ચડાવી દીધી હતી. આ અકસ્માત સમયે તથ્યના મિત્રો પણ તેની સાથે હતા. પોલીસે તપાસ કરતા આ વિગતો સામે આવી છે. જગુઆર કંપનીમાં નો-ક્લેઇમ ઈન્શ્યોરન્સની તપાસમાં આ વિગત સામે આવી છે. તે સમયે કાર ઓવરસ્પીડમાં હોવાના કારણે અકસ્માત થયો હતો, જોકે કોઈ જાનહાનિ થઈ ન હોવાથી પોલીસ ફરિયાદ નોંધાઈ નહોતી.
સિંધુભવન રોડ પર પણ અકસ્માત કર્યો
નોંધનીય છે કે, બે અઠવાડિયા પહેલા સિંધુભવન રોડ પર પણ તથ્ય પટેલે એક અકસ્માત સર્જ્યો હતો. જેમાં તેણે એક કાફેની દિવાલમાં થાર ઘુસાડી દીધી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જોકે આ મામલે તથ્ય પટેલે કેફે માલિકને રૂ.40 હજાર આપીને બાદમાં સમાધાન કરી લીધું હતું, આથી પોલીસમાં કેસ દાખલ થયો નહોતો.
ADVERTISEMENT