અમદાવાદઃ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ગત રાત્રીએ ગોજારો અકસ્માત થયો હતો. જેમાં એક થાર કાર ડમ્પરની પાછળ ઘૂસી ગઈ હતી અને આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોની મદદ માટે લોકો દોડી ગયા હતા. દરમિયાન અમદાવાદ પોલીસને અકસ્માતની જાણકારી મળતા પોલીસ પણ અહીં આવી ગઈ હતી ત્યારે અચાનક ફૂલ સ્પીડમાં એક જેગુઆર કાર આવી અને લોકોને ફંગોળી નાખ્યા હતા. આ ઘટનામાં એક હોમગાર્ડ, પોલીસ કર્મચારી સહિત 9 વ્યક્તિ મોતને ભેટ્યા હતા. અકસ્માત બાદ આ મામલામાં કાર ચાલક આરોપી તથ્ય પટેલના બચાવમાં તેના પિતા અને વકીલ ઉતરી ગયા હતા. જોકે પોલીસે આ મામલામાં તથ્ય પેટલના પિતા સહિત 6 વ્યક્તિની અટકાયત કરી લીધી છે. જેમાં તથ્ય સાથે કારમાં રહેલા તેના મિત્રોનો પણ સમાવેશ થાય છે. હાલ પ્રાપ્ત થઈ રહેલી જાણકારી પ્રમાણે આ ઘટનાનો મુખ્ય આરોપી એવો નબીરો તથ્ય પટેલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયો છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે જેગુઆરથી ફૂલ સ્પીડમાં લોકોને ફંગોળી નાખ્યા પછી તથ્યને લોકોનું ટોળું ફરી વળ્યું હતું. તથ્યને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેમાં તેને ઈજા થઈ હતી. આ ઘટનાની જાણકારી મળતા તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સ્થળ પર દોડી આવ્યા હતા અને તેમણે પુત્રને ત્યાંથી લઈ જઈને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં હોસ્પિટલમાં તથ્યની સારવાર કરવામાં આવી હતી. જોકે હવે જાણકારી મળી રહી છે કે તથ્યની હાલત હાલ સામાન્ય છે. તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. હવે આ મામલામાં પોલીસ તેની ધરપકડ કરી તેને પણ કોર્ટમાં રજુ કરશે અને આગળની કાર્યવાહી હાથ ધરશે.
અમદાવાદ અકસ્માતઃ 9નો જીવ લેવાના કેસમાં પકડાયા તો શરમથી મોંઢા છૂપાવ્યા
કેવી રીતે થયો અકસ્માત
ધનીક પિતાઓના નબીરાઓ એસજી હાઈવે અને સિંધુભવન રોડ પર બેફામ બની વાહનો હંકારતા હોય છે જેને કારણે ઘણીવાર એવી ઘટનાઓ પણ બની છે કે લોકોના જીવન જોખમાયા હોય. આવી જ એક ઘટના અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ગત મોડી રાત્રી દરમિયાન બની હતી. થાર કારના ચાલક વિરુદ્ધ ખાસ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જે મુજબ થાર કાર માત્ર 16 વર્ષનો સગીર ચલાવી રહ્યો હતો. જેની સામે એસ.જી હાઈવે 2 ટ્રાફિક પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસમાં પણ પોલીસ ફરિયાદી બની છે. બ્રિજ પર અકસ્માત રાત્રે 12.30 વાગ્યે થયો હતો, જેની સૂચના મળતા પોલીસ ત્યાં પહોંચી હતી અને પોતાની કામગીરી કરી રહી હતી. દરમિયાન કેટલાક લોકો પણ ત્યાં પહોંચ્યા હતા. આ જ સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી જગુઆર કાર જે તથ્ય પટેલ ચલાવી રહ્યો હતો, તેણે લોકોને અટફેટે લીધા હતા અને 9 લોકોના મોત થઈ ગયા, જ્યારે 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા.
16 વર્ષના સગીર સામે નોંધાઈ ફરિયાદ
પોલીસ દ્વારા આ થાર કારના સગીર ચાલક વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. જે મુજબ કર્ણાવતી ક્લબથી રાજપથ ક્લબ તરફ જતા ઈસ્કોન બ્રિજ પર થાર ચાલકે પૂર ઝડપે કાર હંકારી હતી અને ડમ્પરને પાછળથી ટક્કર મારી હતી. જેમાં કાર અને ડમ્પર બંનેને નુકસાન પહોંચ્યું હતું. ત્યારે આ 16 વર્ષના સગીર વિરુદ્ધમાં જાહેર રોડ પર બેદરકારીથી અન્ય લોકોની જિંદગી જોખમાય એ રીતે વાહન ચલાવવાની ફરિયાદ IPCની કલમ 177, 184 અને 181 હેઠળ નોંધવામાં આવી છે. અકસ્માતના મામલામાં જ્યાં તે જ સ્થળ પર જેગુઆર કારથી 9 લોકોના જીવ લઈ લેવાની ઘટના બની તેમાં મુખ્ય આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રક્ષેશ પટેલ સહિત કારમાં બેસેલા તેના મિત્રોને પણ આરોપી તરીકે અટકાયતમાં લેવામાં આવ્યા છે. કારમાં તથ્ય અને તેના મિત્રો હતા. અત્યાર સુધી પોલીસે આ કેસમાં તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત 6 લોકોની અટકાયત કરી લીધી છે. હવે તથ્યને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા પછી આ ઘટનામાં તેની સામે પણ કાયદાકીય પગલા લેવાશે તે નક્કી છે.
ADVERTISEMENT