Kutch News: સુરક્ષાની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ ગણાતી કચ્છ બોર્ડરના કુડા બોર્ડર વિસ્તાર પાસેથી સ્ટેટ IB ની ટીમે બોર્ડર પાર કરી પાકિસ્તાન જવાના ઇરાદે પહોંચેલા તમિલનાડુના શંકાસ્પદ શખ્સને ઝડપી લીધો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ શખ્સને હાલમાં પૂછપરછ માટે બાલાસર પોલીસ સ્ટેશને ખાતે લઈ જવામાં આવ્યો છે.
ADVERTISEMENT
કચ્છ બોર્ડરથી 300 મીટર દૂરથી પકડાયો યુવક
આ અંગેની વિગતો મુજબ,તમિલનાડુનો આ શખ્સ વાગડમાં આવેલી છેક કુડા બોર્ડર પર પહોંચી ગયો હતો. તે બોર્ડરથી માત્ર 300 મીટર જ દૂર હતો અને તેની પાસેથી પાના-પકડ પણ મળી આવ્યા છે. મંગળવારે અહીં સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોના સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર મુકેશ સુથાર અને તેમની ટીમ સરહદી વિસ્તારની પેટ્રોલિંગમાં હતી. ત્યારે બોર્ડર નજીક આ યુવાન જોવા મળતા શંકા ગઈ હતી જેથી તેની પાસે જઈ તે કોણ છે? ક્યાંથી આવ્યો છે? તે સહિતની બાબતે પુછપરછ કરવામાં આવી. પણ યોગ્ય જવાબ ન આપતા તેને બાલાસર પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો. જ્યાં વધુ પૂછપરછ કરવામાં આવી હતી.
યુવક પાસેથી કચ્છ-પાકિસ્તાનના નકશા મળ્યા
પ્રાથમિક તપાસમાં યુવકનું નામ દિનેશ લક્ષ્મણ હોવાનું સામે આવ્યું છે અને તે સરહદ પાર કરવા જતો હતો ત્યાં જ પકડાઈ ગયો હતો. જો સ્ટેટ આઈબી ન પહોંચી હોત તો આ યુવક સરહદ પાર કરવાની ફિરાકમાં હતો. યુવાન પાસેથી કચ્છ બોર્ડરનો નકશો મળ્યો છે. જેમાં ધોળાવિરા, અમરાપર, લોદ્રાણી, બાલાસર અને પાકિસ્તાનના નગરપારકર, અલીગામ, ઇસ્લામકોટ, હૈદરાબાદ દહેરલાઇ, કાસ્બો, સુરાચંદ સહિતના વિસ્તારો દર્શાવેલા છે. યુવક પાસેથી આ હાથથી બનાવેલ નકશો, પાસપોર્ટ, પાના-પકડ જેવી વસ્તુ પણ મળી આવી છે.
તમિલનાડુનો રહેવાસી છે યુવક
શંકાસ્પદ યુવક તમિલનાડુના ચિન્નમનુર વિસ્તારનો રહેવાસી છે અને ક્યાં ઇરાદે સીમા પાર જવા ઈચ્છતો હતો તે સહિતની વિગતો તપાસ કરવાનું શરૂ કરાયું છે. સૂત્રોના મતે આ ‘સીમા’ પારનું પ્રેમ પ્રકરણ હોવાની શક્યતા છે. પ્રેમી સચિનને પામવા માટે પાકિસ્તાનથી સીમા હૈદર ભારતમાં આવી અને ભારતની અંજુ પાકિસ્તાનમાં પ્રેમીને પામવા પહોંચી અને ત્યાં લગ્ન કરી અંજુ નશરુલાહ બની તે કિસ્સો હાલ સમગ્ર દેશમાં ચર્ચામાં છે. ત્યારે આ કિસ્સામાં પણ સરહદ પારના પ્રેમને પામવાની કહાની હોવાનું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે ફરી એક વખત આ સીમા પારની વધુ એક પ્રેમ કહાની સામે આવે તો નવાઈ નહીં, જોકે આ મુદા પર પણ તપાસ શરૂ કરવામાં આવી છે. બાલાસર પોલીસ સ્ટેશનના PSI વિકાસ ઝા જણાવ્યું કે, સ્ટેટ IBની ટીમે અમને આ શંકાસ્પદ યુવક સોંપ્યો છે, જે મામલે ગંભીરતા પૂર્વક તપાસ ચાલી રહી છે.
(કૌશિક કાંઠેચા)
ADVERTISEMENT