ગાંધીનગર: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી એપ્રિલ મહિનામાં યોજાનારી તલાટીની પરીક્ષાની નવી સંભવિત તારીખ જાહેર કરવામાં આવી છે. પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે. જે મુજબ તલાટી મંત્રીની પરીક્ષા હવે આગામી 23 એપ્રિલે નહીં પરંતુ 30 એપ્રિલના રોજ યોજાઈ શકે છે.
ADVERTISEMENT
હસમુખ પટેલે જણાવી નવી સંભવિત તારીખ
IPS હસમુખ પટેલે ટ્વીટ કરીને કહ્યું કે, મંડળ તલાટીની પરીક્ષા 30 એપ્રિલે લેવા કટિબદ્ધ છે, પૂરતા કેન્દ્ર મળે તે માટે પ્રયત્નશીલ છે. કેન્દ્રો ઉપલબ્ધ થતા વિધિવત તારીખની જાહેરાત કરવામાં આવશે. એટલે કે ઉમેદવારોને હવે તૈયારી માટે વધુ એક અઠવાડિયાનો સમય મળશે.
અગાઉ 23 એપ્રિલે પરીક્ષા લેવાનું આયોજન હતું
નોંધનીય છે કે, આ પહેલા 16 ફેબ્રુઆરીના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટ્વીટ કરીને તલાટીની પરીક્ષાની સંભવિત તારીખ 23 એપ્રિલ જણાવવામાં આવી હતી. જોકે હવે આ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને નવી સંભવિત તારીખ 30 એપ્રિલ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, તાજેતરમાં લેવાયેલી GPSSBની જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ રાજ્ય સરકારની ખૂબ ટિકા થઈ હતી. સરકારે પરીક્ષા રદ કરતા ઉમેદવારોના ભારે રોષ જોવા મળ્યો હતો.જે પછી સરકારે GPSSBના અધ્યક્ષ તરીકે હસમુખ પટેલની નિમણૂંક કરી આવી હતી.
ADVERTISEMENT