કચ્છ: અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડું ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ 15મી જૂને વાવાઝોડું નલિયા અને માંડવી વચ્ચે ટકરાશે. જોકે વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે ત્યારે ગુજરાતનું તંત્ર એલર્ટ મોડ પર છે. વાવાઝોડાના ખતરાને જોતા કંડલાને ખાલી કરાવવામાં આવી રહ્યું છે. તંત્રએ દરિયાકાંઠાના વિસ્તારના 2 કિમીની ત્રિજ્યામાં આવેલા ગામોને ખાલી કરવા સૂચના આપવામાં આવી છે.
ADVERTISEMENT
બિપોરજોય વાવાઝોડાના પગલે કચ્છનું વહીવટીતંત્ર એક્શન મોડ પર આવ્યું છે. વર્ષ 1998 માં થયેલ નુકશાનનું પુરાવર્તન ન થાય તે માટે એક્શન મોડ પર જોવા મળી રહ્યું છે. આ દરમિયાન કંડલા પોર્ટ નજીક હજારો પરિવારોને નજીકના સલામત સ્થળે લઈ જવા માટે તેમના ઘરવખરીના સામાન સાથે જે વાહનો રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે. કંડલા છોડીને સુરક્ષિત સ્થાન પર જઇ રહ્યા છે. ત્યારે ઘર છોડીને જતા મજૂરોને 1998ના કંડલા ચક્રવાતની યાદ આવી ગઈ.
સ્થાનાંતરની કામગીરી શરૂ
ગાંધીધામ મામલતદારે ભગીરથસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ખારી રોહર, મીઠી રોહર, નાની ચીરઇ, તૂણા, વંડી, ભારાપર, કીડાણા, કંડલાપોર્ટ વિસ્તારમાં રહેતા માછીમારો,અગરીયા સહિતના લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. જેમાં જે લોકોના પોતાના પાકા મકાન છે તેવા લોકોને બસ દ્વારા મૂળ વતન મોકલવામાં આવી રહ્યા છે. અંદાજીત1000 લોકોને બસ દ્વારા મૂળ નિવાસ્થાને મોકલવામાં આવશે. જયારે અંદાજે 2000 લોકો સમજાવટ તથા માઇક દ્વારા કરાયેલા એનાઉન્સમેન્ટ થકી સ્વેચ્છાએ જ પોતાના વતન ચાલ્યા ગયા છે. જયારે બાકીના આશરે પાંચ હજાર લોકોને સરકાર દ્વારા શેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી શરૂ કરાઇ છે.
1998માં જાણો શું થયું હતું.
9 જૂન 1998ના રોજ મહાબંદર કંડલા અને એની આજુબાજુના વિસ્તારો પર પ્રલયની જેમ ત્રાટકેલું વાવાઝોડું અનેક લોકોના ભોગ લઈ ગયું હતું. પ્રચારના તમામ માધ્યમો પર એની આગાહીઓ અને ચેતવણીઓ અપાઇ હતી. ભરતીના મહાકાય મોજાં બંદર પર ફરી વળતાં ચોમેર તબાહીના દ્રશ્યો સર્જાયાં. એક તો પૂનમ અને તે પણ આખરની મોસમની એટલે એનાં મોજાં આમેય તોફાની હોય. તેમાં વળી ભરતીના સમયે જ વાવાઝોડું પણ એ જ દિશાએથી ત્રાટક્યું એટલે થોડા કલાક બંદર જ જાણે દરિયામાં ગરકાવ થઇ ગયું.કંડલા પોર્ટને 200 કરોડનું નુકસાન થયું હતું. નમક ઉદ્યોગની નુકસાનીનો અંદાજ 155 કરોડનો મૂકાયો હતો. ઓઇલ કાર્ગો, ક્રેઇન, આગબોટ, વે-બ્રીજ બાર્જીસ ઉપરાંત 1800 ટન ઘઉં, 110 ટન ખાંડ, 13000 ટન તેલીબિયા નષ્ટ થયા હતા. અનેક લોકોના મૃત્યુ થયા હતા.
(વિથ ઇનપુટ: કૌશિક કાંઠેચા, કચ્છ)
ADVERTISEMENT
