Rajkot News: સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સતત વિવાદમાં આવી રહ્યા છે, કેટલાક સંતોની લંપટલીલાનો પર્દાફાશ થઈ રહ્યો છે, જેને લઈને હરિભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારી જગતપાવનદાસ સ્વામી દ્વારા સગીરાને ગિફ્ટ આપવાના બહાને મંદિરની નીચેના એક રૂમમાં લઈ જઈને તેના પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાયા બાદ હવે રાજકોટના ઉપલેટાના સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટીયા ગામે આવેલા ગુરુકુળના સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે રાજકોટની એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
3 વ્યક્તિઓ સામે ફરિયાદ
ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે IPC 376 (2)(N), 313, 114 અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. ઉપલેટાના ભાયાવદર પાસે આવેલા ખીરસરા સ્વામિનારાયણ ગુરૂકુળના નારાયણસ્વરૂપદાસ સ્વામી, ધર્મસ્વરૂપદાસ સ્વામી અને મયુર કાસોદરિયા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે.
દુષ્કર્મ બાદ ગર્ભવતી બની હતી યુવતી
રાજકોટની યુવતી સાથે છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કૃત્ય આચરવામાં આવતું હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. ફરિયાદમાં ધર્મસ્વરૂપદાસ સ્વામીએ 30 વર્ષીય મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું અને નારાયણ સ્વરૂપસ્વામી અને મયુર કાસોદરિયા નામના શખ્સે મદદગારી કરી હોવાનો ઉલ્લેખ છે. એટલું જ નહીં દુષ્કર્મ બાદ યુવતી ગર્ભવતી બની હતી. જેમાં ધર્મપ્રસાદ સ્વામીએ હોસ્ટેલના સંચાલક મયુર કાસોદરીયા સાથે ગર્ભપાતની દવા મોકલી પીડિત યુવતીની ઈચ્છા વિરૂદ્ધ ગર્ભપાત કરાવ્યો હોવાનું ખુલતાં ચકચાર મચી ગઈ છે.
પોલીસે તપાસ હાથ ધરી
આ સમગ્ર મામલે ભાયાવદર પોલીસ સ્ટેશનના મહિલા PSI તેમજ PI દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ભાયાવદર પોલીસે ફરાર ધર્મસ્વરૂપદાસ સ્વામી, નારાયણ સ્વરૂપદાસ સ્વામી અને હોસ્ટેલ સંચાલક મયુર કાસોદરિયાને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે.
ઈનપુટઃ રોનક મજીઠીયા, રાજકોટ
ADVERTISEMENT