સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતેના ગ્રામ્ય વિસ્તારમાં આજે વીજળી પડવાથી એક મોટી કરૂણાંતિકા સર્જાઈ છે. આકાશી વીજળી પડતા જ 80 બકરાઓ સહિત માલધારીનું પણ મોત નિપજ્યું છે. અકસ્માતે પડેલી વીજળીને કારણે 80થી વધુ બકરા અને એક વ્યક્તિનું મોત થયાની વિગતો સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
ADVERTISEMENT
સુરેન્દ્રનગરમાં આજે બપોરથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ધ્રાંગધ્રાના ગ્રામ્ય વિસ્તારોમાં ધડાધડ વરસાદ વરસ્યો હતો. ધ્રાંગધ્રાના નરાળી, સતાપર, જસાપર, હરિપર, દુદાપુર, નવલગઢ, કોપરાણી અને બાવરી સહિતના ગામોમાં માવઠાનો માર ખેડૂતોને પડ્યો છે. આ તરફ સુરેન્દ્રનગરના પાટડીના નાવિયાણી ગામમાં વીજળી પડતા એક યુવકનું ગતરોજ મોત નિપજ્યું હતું ત્યારે આજે વ્રજપર ગામમાં પણ વીજળી પડવાથી વધુ એક યુવકનું મોત નિપજ્યું છે. જ્યારે બપોરના સમયે જસાપર ગામની સીમમાં 25 વર્ષનો ચેતન સેલાભાઈ ભરવાડ બકરા ચરાવી રહ્યો હતો. યુવાન વ્રજપરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
EXCLUSIVE: ધોનીના સંન્યાસ અંગે સૌથી મોટા સમાચાર, નિવૃતીનું કોઈ આયોજન નથી
યુવાન જ્યારે બકરા ચરાવતો હતો ત્યારે વીજળી પડતા 80 બકરા સહિત ચેતન ભરવાડ નામના આ વ્યક્તિનું પણ કરુણ મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાલમાં કમોસમી વરસાદને કારણે એક તરફ ખેડૂતો ચિંતાતુર છે તો બીજી તરફ વળતર માટે પણ સરકાર કોઈ યોગ્ય નિર્ણય લે તેની રાહ જોઈ રહ્યા છે. રોજ ચોમાસાની જેમ ધડાધડ વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે બનેલી ઘટનાએ કરૂણ દૃશ્યો સર્જ્યા છે.
ગુજરાતમાં અન્યત્ર પણ વરસાદનો ભારે માર
આ તરફ જામનગરમાં પણ ફરી માવઠાનો માર વાગ્યો છે. જામજોધપુર પંથકમાં ભારે વરસાદ પડ્યો છે. બાલવા ગામે ખેતરોમાં વેકળા બે કાંઠે થઈ ગયા હતા. લણણી થવાની તૈયારી પર આવેલું માવઠું ખાસ કરીને મગફળી, તલ અને બાજરી જેવા પાકોની નુકસાની કરી ગયું છે. સતત માવઠાના મારથી ખેડૂતોની દશા બેઠી છે.
બીજી બાજુ મોરબીના હળવદ ખાતે પણ આસપાસના સુસવાવ, રણજીતગઢ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ છેલ્લા બે દિવસથી પડી રહ્યો છે. આ તરફ પોરબંદરમાં પણ હનુમાનગઢ બિલેશ્વર અને ખંભાળા સહિતના ગામોમાં સતત બે કલાક થી વરસાદ વરસતો હતો. જેના કારણે આંબાના બગીચાઓને ભારે નુકસાન થયું છે.
પંચમહાલઃ ખેડૂતો રાત્રે ખેતરમાં જતા ભયભીત, દીપડાના આંટાફેરા થયા Videoમાં કેદ
અમરેલીના રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ઢળતી સાંજે વરસાદ ખાબક્યો હતો. રાજુલાના હિંડોરણા, બાબરિયાધાર સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા વાતાવરણ ઠંડુ થઈ ગયું હતું. અમરેલીમાં છેલ્લા આઠ દિવસથી અવિરત વરસાદ હાજરી નોંધાવી રહ્યો છે. ધારી ગીર પંથકમાં પણ ઢળતી સાંજે વરસાદનું આગમન થઈ ગયું હતું. ગીરના ગામડામાં ખાસ કરીને જર, મોરજર અને સરસીયા સહિતના ગામોમાં પણ આઠ દિવસથી સતત વરસાદ નોંધાઈ રહ્યો છે. ભાવનગરમાં પણ સતત વરસાદ એવો ખાબકી રહ્યો છે. ધસમસતા પાણી સાથે ચોમાસાને પણ પાછું પાડે તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
(ઈનપુટઃ સાજીદ બેલિમ, સુરેન્દ્રનગર/ નીતિન ગોહિલ, ભાવનગર/ હિરેન રાવિયા, અમરેલી/ રાજેશ આંબલિયા, મોરબી/ દર્શન ઠક્કર, જામનગર/ જીતેશ ચૌહાણ, પોરબંદર)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT