Surendranagar News: સુરેન્દ્રનગરના પાટડીમાં પુત્રએ જ પિતાની સોપારી આપીને હત્યા કરાવી નાખી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પિતાની આ હત્યા પાછળ 115 વિઘા જમીનનો વિવાદ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. જોકે પિતાના અંતિમ સંસ્કારમાં પુત્ર હાજર ન હોવાથી પોલીસને શંકા ગઈ અને હત્યાનો આખો મામલો સામે આવ્યો.
ADVERTISEMENT
ખેતરમાંથી ખેડૂતની લાશ મળી હતી
સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં આવેલા સડલા ગામમાં સીમમાંથી આધેડ ખેડૂત શાંતિલાલ પટેલની તેમના જ ખેતરની ઓરડીમાંથી ટૂંપો દીધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ અંગે જાણ થતા પાટડી પોલીસ ત્યાં પહોંચી અને તપાસ શરૂ કરી હતી. જેમાં ખેડૂતના પુત્રએ જ પિતાની સોપારી આપીને હત્યા કરાવી હોવાનો ખુલાસો થયો હતો.
પુત્ર પર પોલીસને શંકા ગઈને અને ભેદ ખૂલ્યો
મૃતક ખેડૂતની સ્મશાન યાત્રામાં દીકરો જ હાજર ન હોવાથી પોલીસને શંકા ગઈ અને હત્યાનો આખો ભેદ ઉકેલાઈ ગયો. શાંતિલાલના પુત્રની અટકાયત કરીને પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, ગામમાં રહેતા એક યુવકને દેવું થઈ જતા રૂ.10 લાખની સોપારી આપીને પિતાની હત્યા કરાવી હતી. હત્યા સમયે તે ત્યાં નહોતો. ખેડૂતના પત્નીનું વર્ષો પહેલા અવસાન થઈ જતા તેઓ ખેતરમાં જ રહીને જાતે રાંધીને જમતા અને પુત્રને પિતા સાથે બનતું ન હોવાથી ગામમાં આવેલા ઘરમાં તે પરિવાર સાથે રહેતો હતો.
115 વિઘા જમીન માટે તકરાર ચાલતી હતી
પિતાની 115 વિઘા જમીન હતી, જે લાંબા સમયથી તે પુત્રના નામે નહોતા કરતા. આ કારણ પિતા-પુત્ર વચ્ચે લાંબા સમયથી તકરાર ચાલી રહી હતી. એવામાં પિતાનો કાંટો કાયમ માટે કાઢી નાખવા પુત્રએ જ તેમની સોપારી આપીને હત્યા કરાવી નાખી હોવાનો ખુલાસો થતા ગામ લોકો પણ ચોંકી ઉઠ્યા હતા.
ADVERTISEMENT