સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં ચુડા તાલુકામાં આવેલા સમઢીયાળા ખાતે જમીનના ડખામાં જૂથ અથડામણની ઘટના બની હતી. જેમાં બે સગા ભાઈઓના મોત નિપજ્યા છે. જેને લઈને મામલો વધુ તંગ બન્યો હતો. આ મામલામાં રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવે તાત્કાલીક બેઠક કરી સમીક્ષા બાદ પગલા લીધા હતા. જેમાં કેસની તપાસ માટે SITની રચના કરી હતી અને સ્પેશ્યલ વકીલની નિમણૂક કરી હતી. ઉપરાંત ફરજ પર બેદરકારી દાખવનારા ચુડા તત્કાલીન પીએસઆઈ જે બી મીઠાપરા અને હાલના મહિલા પીએસઆઈ ટી જે ગોહિલને સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય કરાયો છે.
ADVERTISEMENT
હત્યાના તમામ આરોપીઓ સામે કડક કાર્યવહી હાથ ધરી મૃતકના પરિવારને ન્યાય અપાવવાની પણ રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા ખાતરી આપવામાં આવી છે. સાથે જ આ ઘટનાના આરોપીઓને ખુબ જ ઝડપથી પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાને પગલે પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. તો બંને ભાઈઓના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાતા મોટી સંખ્યામાં સમાજના લોકો ત્યાં ઉમટ્યા હતા. જેમણે આરોપીઓ ઝડપાય નહીં ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી હતી. તો લોકો સાથે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી પણ પોસ્ટમોર્ટમ રૂમની બહાર ધરણા પર બેસી ગયા હતા. જેમણે પેનલ ડોક્ટર અને વીડિયો ગ્રાફી સાથે પોસ્ટમોર્ટમની માંગ કરી હતી.
મુલાકાતે આવેલા BJP ધારાસભ્યોનો થયો વિરોધ
સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં ભાજપના પાટડીના ધારાસભ્ય પી.કે. પરમાર અને વઢવાણ ધારાસભ્ય અને મુખ્ય નાયબ દંડક જગદીશ દલવાડી મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન ‘હાય રે ભાજપ… હાય… હાય…’ ના નારા લગાવી દલીત પરિવારોએ વિરોધ કર્યો હતો. લોકોએ બંને ધારાસભ્યોને કહ્યું કે, જો ભાજપના હોવાથી નેતા તરીકે આવ્યા હોય તો જતા રહો અને સમાજ તરીકે આવ્યા હોય તો રાજીનામું આપો’ કહીને ઉધડો લીધો હતો. જેથી બન્ને ધારાસભ્ય એ ચાલતી પકડી હતી.
પટનામાં ભાજપની વિધાનસભા કૂચ દરમિયાન ભારે લાઠીચાર્જ, બીજેપી નેતાનું મોત
શું હતી ઘટના?
ચુડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, છેલ્લા 40 વર્ષથી અમદાવાદમાં સ્થાયી પારૂલબેન પરમાર જૂના વાડજ ખાતે રહે છે. બુધવારે સવારે પોતાના ગામમાં ગયા હતા. અહીં તેમની સાથે બે દિયર તથા બે દેરાણી હતા. તમામ ટ્રેક્ટરમાં બેસીને વાડીઓ ગયા અને પરત ફરતા સમયે અમરાભાઈ ખાચર, નાગભાઈ ખાચર સહિત 8 લોકો તથા અન્ય 15 લોકોનું ટોળું ધારિયા અને લાકડી લઈને તૂટી પડ્યું હતું અને તમામને માર માર્યો હતો. સાથે પારૂલબેનના બે નાના દીયર આલજીભાઈ પરમાર અને મનોજભાઈ પરમાર પાસેથી 1 લાખ રૂપિયા જબરજસ્તી પડાવી લીધા હતા. બંને ભાઈઓને હુમલામાં ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. પીડિત પરિવારનો આરોપ છે કે, તેમના વડીલોની જમીન આરોપીઓ પચાવી પાડવા માગતા હતા અને અવારનવાર તેમને ધાકધમકી આપતા હતા. આ અંગે પરિવારે 6 જુલાઈ 2023ના રોજ સુરેન્દ્રનગરના કલેક્ટરને અરજી પણ આપી હતી અને તેનો કોર્ટ કેસ પણ ચાલી રહ્યો હતો.
(ઈનપુટઃ સાજીદ બેલિમ, સુરેન્દ્રનગરઃ)
ADVERTISEMENT