સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં આર્ય સમાજ ખાતે આજે બ્રહ્મ સમાજના યુવાનો ભેગા થયા હતા. તેઓ ભાજપ દ્વારા જીજ્ઞાબેન પંડ્યાની ટિકિટ કાપીને અન્ય ઉમેદવારને આપવાના મામલે બ્રહ્મ સમજાના લોકો નારાજ થયા છે. છેલ્લી ઘડીએ ટિકિટ આપ્યા પછી પાછી ખેંચી અન્ય ઉમેદવારને આપવાના આરોપ સાથે સમાજના લોકોએ ભાજપ વિરુદ્ધમાં મતદાન કરવાનો ચોંકાવનારો નિર્ણય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા શાહ સમાજ પણ આ જ મુદ્દાને લઈને નારાજ થયો હતો. કારણ કે જીજ્ઞા પંડ્યા જ્યાં એક સમાજના દીકરી છે તો બીજા સમાજના પુત્રવધુ. બંને સમાજે આ મામલાને લઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ADVERTISEMENT
ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાનનો નિર્ણય
વઢવાણ વિધાનસભા બેઠક પર ભાજપે અગાઉ જાહેર કરેલી યાદી પ્રમાણે જીજ્ઞાબેન પંડ્યાને ટિકિટ આપવામાં આવી હતી. જોકે અચાનક આ દરમિયાન જીજ્ઞાબેન એક પત્ર લખે છે કે તેઓ આ ચૂંટણી નહીં લડે અને તેના પછી ભાજપે આ બેઠક પર જગદીશ પંડ્યાને ટિકિટ આપી ઉમેદવાર જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પાછળ કોઈ નક્કી રાજકારણ રમાયું હોવાનો જનતામાં ગણગણાટ છે. પોતાના સમાજના દીકરીને ટિકિટ આપ્યા પછી ઉમેદવાર બદલવાના ભાજપના આ નિર્ણયથી લોકો ભારે નાખુશ થયા હતા અને આને દીકરીનું અપમાન ગણાવ્યું હતું. દરમિયાન સમસ્ત બ્રહ્મસમાજના યુવાનો અને આગેવાનોએ આગામી દિવસોમાં ચૂંટણી દરમિયાન ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવાનો નનિર્ણય કર્યો છે.
બ્રહ્મ સમાજના યુવાનો ચૂંટણી સુધી કાળી પટ્ટી પહેરશે
ચૂંટણી સુધી બ્રહ્મ સમાજના યુવાનો કાળી પટ્ટી ધારણ કરીને ફરશે તેવો પણ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે એક ઉમેદવારની ટિકિટ બીજા ઉમેદવારને આપી દીધાની આ ઘટનાએ સમાજને નારાજ કર્યા છે. સુરેન્દ્રનગરના આર્ય સમાજ ખાતે આ યુવાનો અને અગ્રણીઓએ ભેગા થઈને આજે આવા આકરા નિર્ણયો કર્યા હતા.
(વીથ ઈનપુટ- સાજીદ બેલીમ, સુરેન્દ્રનગર)
ADVERTISEMENT