- કમલમ કાર્યાલય ખાતે યોજાઈ હતી સંકલનની બેઠક
- ભાજપના કોર્પોરેટરો સામે-સામે આવી મામલો ગરમાયો
- જનરલ બોર્ડમાં 20થી વધુ કોર્પોરેટરો ગેરહાજર રહ્યા
Surendranagar News: આમ તો ભાજપને શિસ્તબદ્ધ પાર્ટી માનવામાં આવે છે. તેની અંદર ચાલતા વિખવાદો ભાગ્યે જ બહાર આવે છે. પરંતુ હાલમાં થોડા સમયથી ગુજરાતમાં જે એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે તેનાથી પાર્ટીમાં ચાલી રહેલી ટાંટિયા ખેંચ ખુલ્લીને લોકોની સામે આવી છે. લોકસભા ચૂંટણી પહેલા બીજેપીમાં ચાલી રહેલો આંતરકલહ પાર્ટીને નુકશાન પહોંચાડી શકે છે. સુરેન્દ્રનગરમાં સુરેન્દ્રનગર-દુધરેજ સંયુક્ત નગરપાલિકાના કોર્પોરેટરોની યોજાયેલી સંકલનની બેઠકમાં ભાજપના કોર્પોરેટરો સામે-સામે આવી જતાં મામલો ગરમાયો હતો. એટલું જ નહીં બેઠક દરમિયાન એક કોર્પોરેટરે પાર્ટીના જ અન્ય એક કોર્પોરેટરને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે બાદ આજે બોર્ડની બેઠકમાં 20થી વઢવાણ વોર્ડના કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા.
ADVERTISEMENT
કાર્યાલય ખાતે યોજાઈ હતી સંકલનની બેઠક
સુરેન્દ્રનગરના કમલમ કાર્યાલય ખાતે બુધવારે સુરેન્દ્રનગર-દુધરેજ સંયુક્ત નગરપાલિકાના કોર્પોરેટરોની સંકલનની બેઠક યોજવામાં આવી હતી. આ સંકલનની બેઠકમાં વઢવાણ વોર્ડના કોર્પોરેટરોએ વઢવાણ સ્મશાનમાં ગરમ પાણીની વ્યવસ્થાના કામો કરાવવા સૂચન આપતા મામલો ગરમાયો હતો.
કોર્પોરેટરો સામસામે બાખડી પડ્યા
જે બાદ નગરપાલિકાના કોર્પોરેટરો સામસામે બાખડી પડ્યા હતા. કમલમ કાર્યાલયમાં જ એક કોર્પોરેટરે પાર્ટીના જ અન્ય કોર્પોરેટરને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પાલિકાના 13 નંબરના વોર્ડના કોર્પોરેટરે આક્ષેપ કર્યો હતો.
20થી વધુ કોર્પોરેટરો ગેરહાજર રહ્યા
તો બીજી બાજુ આજે યોજાયેલા પાલિકાના જનરલ બોર્ડમાં 20થી વધુ કોર્પોરેટરો ગેરહાજર રહ્યા અને વિરોધ નોંધાવ્યો હતો. પાલિકાના જનરલ બોર્ડમાં પાલિકાના પૂર્વ પ્રમુખ વીરેન્દ્ર આચાર્ય તેમજ પાલિકા ઉપપ્રમુખ પંકજ પરમાર તેમજ 20થી વધુ કોર્પોરેટર ગેરહાજર રહ્યા હતા. આમ લોકસભાની ચૂંટણી પહેલા સુરેન્દ્રનગરમાં કંઈક નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
(ઈનપુટઃ સાજીદ બેલીમ, સુરેન્દ્રનગર)
ADVERTISEMENT