સંજયસિંહ રાઠોડ/સુરત: ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારા રાજ્યની વિવિધ અદાલતોના ન્યાયાધીશોની બઢતી અને બદલી કરવામાં આવી છે. આ યાદીમાં રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષિત ઠેરવી બે વર્ષની સજા કરનાર સુરતના ન્યાયાધીશ એચ.એસ. વર્માની પણ રાજકોટ બદલી કરવામાં આવી છે. ન્યાયાધીશ એચ.એચ. વર્માની રાજકોટના 16માં અધિક જિલ્લા ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આમ તેમને બઢતી સાથે બદલી કરવામાં આવી છે.
ADVERTISEMENT
હાઈકોર્ટે ચૂકાદો અનામત રાખ્યો છે
રાહુલ ગાંધીને સજા વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. જેના પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. કોર્ટે રાહુલ ગાંધી કોઇ રાહત આપવાનો ઇન્કાર કરી દીધો હતો. ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર વચગાળાના જામીન આપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. કોર્ટે બંન્ને પક્ષની દલિલો સાંભળ્યા બાદ કોઇ પણ રાહત આપી નહોતી. કોર્ટ દ્વારા પોતાનો ચુકાદો અનામત રાખી લીધો હતો. ઉનાળાનું વેકેશન શરૂ થઇ રહ્યું હોવાથી જજ દ્વારા ચુકાદો અનામત રાખી લેવાયો હતો. વેકેશન પુર્ણ થયા બાદ તેઓ ચુકાદો આપશે. જેથી એક પ્રકારે રાહુલ ગાંધીને કોઇ પણ પ્રકારની રાહત મળી નથી.
કેમ થઈ રાહુલ ગાંધીને સજા?
23 માર્ચે સુરતની કોર્ટે 2019માં રાહુલ ગાંધી દ્વારા મોદી સરનેમ અંગે કરેલી ટિપ્પણીના કેસમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે તેમને કલમ 504 હેઠળ બે વર્ષની સજા સંભળાવી. જોકે, તેને અમલ માટે કોર્ટ તરફથી થોડા દિવસનો સમય મળ્યો હતો. આ સાથે તેમને તાત્કાલિક જામીન પણ મળી ગયા હતા. રાહુલે સુરત કોર્ટમાં પણ અરજીઓ કરી હતી, જેમાંથી એક અરજી કોર્ટે ફગાવી દીધી હતી અને બીજી પર સુનાવણી 3 મેના રોજ થવાની છે.
2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘બધા ચોરોની અટક મોદી કેમ છે?’ જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. રાહુલના નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ કલમ 499, 500 હેઠળ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
ADVERTISEMENT