સંજયસિંહ રાઠોડ.સુરતઃ દેશમાં ઘણા સ્થાનો પર એક ધર્મના છોકરાને અન્ય ધર્મની છોકરી સાથે જોઈ જોઈને માર મારવામાં આવી રહ્યો છે. ધાર્મિક વેરઝેરે છેલ્લા કેટલાક સમયથી દેશમાં એક અજીબ માહોલ બનાવી દીધો છે. આવો જ એક કિસ્સો ગુજરાતના સુરતમાંથી સામે આવ્યો છે. આ કિસ્સામાં પણ બે યુવકો અને એક યુવતી ગાર્ડનમાં બેઠા હતા જેમના ધર્મ અલગ અલગ હતા. જેને લઈને લોકોએ છોકરાઓ પર હુમલો કરી દીધો હતો. લોકો જાણે પોતે જ પોલીસ હોય તેમ તેની સામે આરોપો નક્કી કરીને તેની પુછપરછ કરે છે. લોકો જાણે પોતે જ જજ હોય તેમ તેને જાહેરમાં મુંડનની સજા ફટકારે છે. ધર્મના નામે રોષ ઠાલવવાનું શીખતા આ લોકોના મનમાં ધાર્મિક ઝેર કોણે ફેલાવ્યું? એ પ્રશ્ન પુછનારું અહીં કોઈ જોવા મળ્યું ન્હોતું.
ADVERTISEMENT
શું બની હતી ઘટના
સુરત શહેરના ડિંડોલી વિસ્તારના બગીચામાં બે છોકરાઓ એક છોકરી સાથે બેઠેલા જોવા મળ્યા હતા. બગીચામાં ફરતા કેટલાક લોકોએ છોકરી સાથે બે અન્ય ધર્મના છોકરાઓ ગાર્ડનમાં ફરવા માટે બેઠેલા હોવાની બુમરાણ મચાવી હતી. બે છોકરાઓ અહીં તેણી સાથે કેમ બેઠા હતા તેનું કારણ જાણવા માંગતા હતા આ લોકો. તો છોકરી સાથે બેઠેલો છોકરો ત્યાંથી ભાગી ગયો હતો. જોકે તેની સાથેનો એક બીજો યુવક લોકોના હાથમાં આવી ગયો હતો. લોકોએ તેનું માથું મુંડન કરાવ્યું હતું. લોકો પુછતા હતા તું કયા ધર્મનો છે. જોકે પોતે પોતાનો ધર્મ કહ્યો ન્હોતો. આથી ટોળાએ નક્કી કર્યું કે માથું મુંડન કરાવવાની પ્રથા માત્ર આપણા ધર્મમાં જ છે. તેથી તેનું મુંડન કરી નાખ્યું હતું.
કરોડોના ‘ગોબર’ એન્જિનિયરિંગનો નમૂનોઃ ચિલોડા-શામળાજી હાઈવે પરનો બ્રિજ ઉદ્ઘાટન પહેલા જ ધોવાયો
જ્યારે લોકોએ આ યુવકની પુછપરછ શરૂ કરી તો તેણે પોતાનું નામ જણાવ્યું હતું. (જે અમે અહીં દર્શાવી રહ્યા નથી). વાયરલ વીડિયોમાં એ યુવક લોકોને કહી રહ્યો છે કે યુવતીના બોયફ્રેન્ડે તેને ફોન કર્યો હતો કે તેની પાસે ખાવાના પૈસા નથી તેથી તેને પૈસા આપવા આવ્યો હતો. લોકોએ તેની વધુ પુછપરછ કરી તો તેણે પુછપરછ દરમિયાન જણાવ્યું કે તે સુરતના ભાઠેના વિસ્તારમાં રહે છે. લોકોએ તેને પૂછ્યું કે તે ભાઠેના લિંબાયત વિસ્તારમાંથી અહીં સુધી શું કરવા આવ્યો છે, જેથી તે લોકોને સ્પષ્ટ જવાબ આપી શક્યો ન હતો. તેણે કહ્યું કે તે કામ પર ગયો હતો. લોકો તેને સતત પુછે છે કે તે છોકરી સાથે કેમ બેઠો છે. પરંતુ છોકરો કાન પકડીને કહેતો રહ્યો કે તે કંઈ કરતો નથી.
સુરતના ડિંડોલી વિસ્તારમાં જ્યાં આ છોકરા સાથે લોકોની પુછપરછ કરતા આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, તે ડિંડોલી વિસ્તારથી દૂરદૂર સુધી કોઈ એક ધર્મની વસાહત નથી. આ વિસ્તારમાં એક છોકરીને બીજા ધર્મના છોકરાઓ સાથે ફરતી જોઈને લોકો ગુસ્સે થયા હતા. જો કે આ વિવાદ સંબંધિત કોઈ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો નથી, તેમ ડિંડોલી પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર આરવસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.
ADVERTISEMENT