સંજયસિંહ રાઠોડ/સુરત: ક્રાઈમ બ્રાન્ચે એક એવા આરોપીને પકડ્યો છે જે ચોરી કરીને તેમાંથી થનારી આવકને ગરીબોની મદદ કરવા પાછળ ખર્ચી નાખતો હતો. રોબિનહૂડના નામથી જાણીતા આ વીઆઈપી ચોરની કહાણી ખૂબ જ રસપ્રદ છે. ગુજરાત સહિત દેશના ઘણા શહેરોમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર આ શખ્સની પત્ની બિહારમાં નેતા છે અને તે પોતે પણ સક્રિય રાજનીતિમાં છે. રાજનીતિ અને અપરાધની દુનિયા સાથે સંબંધ રાખનારા આ રોબિનહૂડ ભારે મુશ્કેલી બાદ Surat પોલીસના હાથે આવ્યો છે.
ADVERTISEMENT
સુરતમાં 6.61 લાખની ચોરીને અંજામ આપ્યો
સુરત ક્રાઈમ બ્રાન્ચે મોહમ્મદ ઈરફાન અને મુજમ્મિલ ગુલામ નામના બે શખ્શોની ધરપકડ કરી છે. જેમાંથી મોહમ્મદ ઈરફાન બિહારના સીતામઢીનો રહેનારો છે, અને તે ચોરીના ધંધામાં માહેર છે. તેણે બિહાર, દિલ્હી, પંજાબ અને ગુજરાતના સુરત શહેરમાં ચોરીની અનેક ઘટનાઓને અંજામ આપ્યો છે. તાજેતરમાં જ 27 જુલાઈએ સુરતના ઉમરામાં રઘુવીર સોસાયટીમાં એક બંગલામાંથી 6 લાખ 61 હજારની ચોરી કરીને તે ફરાર થઈ ગયો હતો. જે બાદ પોલીસે સીસીટીવીની મદદથી ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
લક્ઝુરીયસ કાર લઈને ચોરી કરવા જતો
પોલીસે સીસીટીવી ચેક કરતા ચોર લક્ઝુરિયસ કાર લઈને આવ્યો હતો. પોલીસે લિંબાયત સુધી સીસીટીવીમાં કારને ટ્રેસ કરી. જોકે તેના પર સુરતનો નંબર ન હોવાથી આરોપીઓને શોધવામાં મુશ્કેલી આવી રહી હતી. આખરે પોલીસે મીઠીખાડી વિસ્તારમાંથી તેને ઝડપી લીધો. આરોપી પાસેથી લોડેડ પિસ્તોલ મળી આવી છે, તથા એક લક્ઝુરીયસ કાર પણ મળી છે.
ચોરીના પૈસા ગરીબો પાછળ વાપરી નાખતો
સુરત ક્રાઈમ બ્રાન્ચના સીનિયર પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે, મોહમ્મદ ઈરફાને ચોરીનો ગુનો કબૂલી લીધો છે. તે લક્ઝુરીયસ કારમાં ચોરી કરવા જતો અને આ પૈસા ગરીબ લોકો પાછળ ખર્ચી નાખતો હતો. હાલમાં પોલીસને આરોપીઓની વાત પર ભરોસો નથી. બંને આરોપી દિવસમાં રેકી કરવા જતા અને રાત્રે ગૂગલ મેપની મદદથી લોકેશન પર જઈને ચોરી કરતા હતા. પોલીસને શંકા ન જાય એટલે કાર પર જિલ્લા પરિષદ સભ્યની પ્લેટ કાર પર લગાવી રાખી હતી. પત્નીની જીત બાદ સુરતમાં રહેતા તેના સમર્થકોનો આભાર વ્યક્ત કરવા માટે તે અહીં આવ્યો હતો. હાલમાં ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીને ઉમરા પોલીસને સોંપી દીધા છે અને તેણે અન્ય ક્યાં ચોરી કરી છે તેને લઈને તેમની પૂછપરછ કરાશે.
ADVERTISEMENT