ઉર્જા વિભાગની ભરતીમાં ગેરરીતિ મામલે મોટી માછલી પકડાઈ, નિવૃત્ત અધિકારી, શિક્ષક સહિત 3ની ધરપકડ

હિતેશ સુતરિયા/અરવલ્લી: રાજ્ય સરકારના ઉર્જા વિભાગની ઓનલાઈન પરીક્ષાઓમાં ગેરરીતિ આચરીને ઉમેદવારોને પાસ કરાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા થોડા દિવસ અગાઉ આ…

gujarattak
follow google news

હિતેશ સુતરિયા/અરવલ્લી: રાજ્ય સરકારના ઉર્જા વિભાગની ઓનલાઈન પરીક્ષાઓમાં ગેરરીતિ આચરીને ઉમેદવારોને પાસ કરાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા થોડા દિવસ અગાઉ આ પ્રકરણમાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરીને અન્ય કોની-કોની તેમાં સંડોવણી છે તે અંગે તપાસ કરવામાં આવી હતી. ત્યારે હવે આ કૌભાંડના તાર અરવલ્લી સુધી પહોંચ્યા છે. સુરત પોલીસે અડધી રાત્રે અરવલ્લીમાંથી 3 લોકોની ધરપકડ કરી છે.

સુરત પોલીસે અડધી રાત્રે કરી ધરપકડ
સુરતમાં ઉર્જા વિભાગની પરીક્ષામાં ગેરરીતિ મામલે પોલીસ અડધી રાત્રે અરવલ્લીમાં પહોંચી હતી અને એક નિવૃત્ત અધિકારી, એક શિક્ષક સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. જેમાં નિવૃત્ત અધિકારી ઈશ્વર પ્રજાપતિની મોડાસામાંથી, બાયડના જીતપુર ગામના શિક્ષક અરવિંદ પટેલ અને અરવિંદ પટેલના પુત્ર જતિન પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. LRDની ભરતીમાં ગેરરીતિ મામલે પણ આ લોકોના નામ સામે આવ્યા હતા. ત્યારે ઈશ્વર પ્રજાપતિની ધરપકડથી ઉર્જા વિભાગમાં મોટી સંખ્યામાં ગોઠવાઈ ગયેલા મુરતિયાઓની ઊંઘ ઉડી ગઈ છે. આગામી દિવસોમાં આ કૌભાંડમાં હજુ પણ કેટલાક નામોનો ધડાકો થઈ શકે છે.

ઉર્જા વિભાગની ભરતીમાં આચરાયું હતું કૌભાંડ
નોંધનીય છે કે, વર્ષ 2020 થી 2021 દરમિયાન રાજ્યની દક્ષિણ ગુજરાત વિદ્યુત કોર્પોરેશન લિમીટેડ DGVCL, મધ્ય ગુજરાત વિદ્યુત કોર્પોરેશન લિમીટેડ (એમજીવીસીએલ), પશ્ચિમ ગુજરાત વિદ્યુત કોર્પોરેશન લિમીટેડ (પીજીવીસીએલ) ઉત્તર ગુજરાત વિદ્યુત કોર્પોરેશન લિમીટેડ (યુજીવીસીએલ) અને ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીક કોર્પોરેશન લિમીટેડ (જીએસઈસીએલ)ના 2156 વિદ્યુત સહાયક (જુનિયર આસીસ્ટન્ટ)ની ભરતી યોજવામાં આવમાં આવી હતી. અમદાવાદ – વડોદરા અને રાજકોટ સહિત સુરતમાં આ અંગે વિવિધ સ્થળે પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉમેદવારોને ઓનલાઈન પરીક્ષામાં પાસ કરાવવા માટે એજન્ટોના મેળાપીપણામાં આખે આખી ટોળકી સક્રિય બની હતી. આ ટોળકી દ્વારા પરીક્ષા કેન્દ્રના માલિકોથી માંડીને કોમ્પ્યુટરના લેબ ઈન્ચાર્જને પણ ષડયંત્રમાં સામેલ કરવામાં આવ્યા હતા.

ઉમેદવારના જવાનો પરીક્ષા કેન્દ્ર બહાર બેઠેલા વ્યક્તિ દ્વારા અપાતા
જે સ્થળે ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં કોમ્પ્યુટરોમાં એક વિશેષ સોફ્ટવેર ઈન્સ્ટોલ કરવામાં આવ્યું હતું. આ સોફ્ટવેરની મદદથી ઉમેદવારના પ્રશ્નપત્રના જવાબો પરીક્ષા કેન્દ્રની બહાર બેસેલ ત્રાહિત વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યા હતા. આમ, ઉમેદવારોને બારોબાર પાસ કરાવવા માટે હાઈટેક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ચોક્કસ ઉમેદવારોને વિવિધ સરકારી વિભાગોમાં નોકરી મેળવવામાં આખે આખું કૌભાંડ રચવામાં આવ્યું હતું. જે અંગે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને જાણ થતાં જ તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રૂપલ સોલંકીએ આ મામલે મીડિયાને માહિતી આપી હતી.

    follow whatsapp