સંજયસિંહ રાઠોડ/સુરત: સુરત મહાનગરપાલિકા આમ તો સ્વચ્છતામાં દેશમાં બીજા નંબરે છે, પણ સુરત મહાનગરપાલિકાના શૌચાલય હવે ભોજનાલયમાં બદલાઈ ગયા હોય એવા દ્રશ્યો હાલમાં સામે આવી રહ્યા છે. સુરતમાં પે એન્ડ યુઝ ટોઈલેટમાં રસોઈ થતી હોવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. આટલું જ નહીં જાગૃત નાગરિક દ્વારા ટોઈલેટમાં રસોઈ થતી હોવાનો વીડિયો ઉતારીને વાઈરલ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ટોઈલેટમાં ભોજન બનાવતો વીડિયો વાઈરલ
સુરત મહાનગરપાલિકાના સૌથી પોશ વિસ્તાર ગણાતા પાર્લે પોઇન્ટ પર ઓવરબ્રિજ નીચે આવેલ એક જાહેર શૌચાલયની અંદરના કર્મચારીઓ ભોજન બનાવી રહ્યા છે. એવા દ્રશ્યો એક જાગૃત નાગરિકે વીડિયોમાં કેદ કર્યા છે. સુરત મહનગર પાલિકાના આ શૌચાલયમાં દિવ્યાંગો માટે બનાવવામાં આવેલ શૌચાલયમાં કર્મચારીઓ ભોજન બનાવતા હોવાના નજરે પડ્યા છે. દિવસે શૌચાલય અને સાંજ પડતા જ તેમાં રસોડું બની જતું હતું.
જાગૃત નાગરિકે ઉતાર્યો વીડિયો
આટલું જ નહીં રસોડામાં શાક સમારેલું પડ્યું છે, તેને બનાવવા માટે અંદર એક નાનો ગેસનો સ્ટવ પણ વીડિયોમાં જોઈ શકાય છે. આ અંગે જ્યારે ત્યાં હાજર વ્યક્તિને પૂછવામાં આવે છે તો તે પણ ચોખ્ખું કહે છે, હા અહીં જમવાનું બને છે.
ADVERTISEMENT