સુરતઃ સુરતની એમટીબી કોલેજમાં એબીવીપીના નેતાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા કચરાથી કંટાળીને પ્રિન્સિપાલની ઓફીસમાં જ કચરો ઠાલવી દેવાયો હતો. વિદ્યાર્થી નેતાઓ દ્વારા ઉગ્ર રજૂઆત સાથે પ્રિન્સિપાલના ટેબલ અને ખુરશી પર જ ગંદો કચરો ઠાલવી દેવાયો હતો. વારંવારની રજૂઆતો છતા આચાર્ય દ્વારા બાબતને ગંભીરતાથી લેવાતી ન હતી. જેના કારણે વિદ્યાર્થીઓ ગીન્નાયા હતા.
ADVERTISEMENT
કચરાની દુર્ગંધથી વિદ્યાર્થીઓ પરેશાન હતા
સુરતના આઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલી એમટીબી કોલેજના આચાર્યની ઓફીસમાં આજે શુક્રવારે એબીવીપી વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ કચરો એકત્ર કર્યો એને તે આચાર્યના કેબિનમાં, તેમની ખુરશી પર, ટેબલ પર ફેંક્યો હતો. આચાર્યની ઓફીસમાં નારેબાજી પણ કરી હતી. કચરો ડમ્પ ન કરીને વૈકલ્પીક વ્યવસ્થા કરવાની તેમની માગણી હતી. એબીવીપીના શહેર મંત્રી મનોજ જૈને કહ્યું હતું કે, એમટીબી કોલેજ તંત્ર એનએસએસ અને એનસીસી ઓફીસ પાસે કચરો ડમ્પ કરતું હતું પણ કચરાની દુર્ગંધ અસહ્ય રહેતી હોવાથી વિદ્યાર્થીઓ પરેશાન હતા. જે બાબત એબીવીપીના ધ્યાને આવી હતી અને કચરો દૂર કરવા અમે રજૂઆત કરી હતી પરંતુ અમારી માગને તેઓ હળવાસમાં લેતા હતા. તેથી અમે ભ્રષ્ટ આચાર્યની ઓફિસમાં જ કચરો ઠાલવીને રોષ નોંધાવ્યો હતો. તેમણે એવું પણ કહ્યું કે પેપર લીક કૌભાંડના દોષિત આચાર્યને પદથી દૂર કરવાનો આદેશ યુનિર્વસિટીના કુલપતિનો છે છતા હજુ સુધી સંસ્થાએ આચાર્યને પદ પર ચાલુ રખ્યા છે.
ADVERTISEMENT