સુરતઃ મોરબીમાં દુર્ઘટના વખતે ઘણા પરિવારો વેરવિખેર થઈ ગયા, આ ઘટના પછી ગુજરાત અને દેશભરમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. જોકે આ ઘટનામાં પોતાના માથા પરની છત્રછાયા ગુમાવનારા બાળકો માટે સુરતના ઉદ્યોગપતિ વસંત ગજેરા સામે આવ્યા છે. તેમણે કહ્યું કે, આ ઘટનામાં માતા-પિતા ગુમાવનાર, કે જરૂરી વડીલ ગુમાવનાર બાળકોના અભ્યાસની તમામ જવાબદારી અમે લઈએ છીએ. ઉપરાંત તેમને પગભર ન થાય ત્યાં સુધી સાચવવાની જવાબદારી અમે લેવા તૈયાર છીએ.
ADVERTISEMENT
માનવતાએ તમામ દુખદ ઘટનાઓમાં મલમનું કામ કર્યું
આપણે ત્યાં દરેક વખતે જ્યારે મોટી હોનારતો બની ત્યારે ઘણી વખત એવી ઘટનાઓ પણ બની કે જેના કારણે દુઃખ પર થોડો મલમ લાગ્યો હોય. કોરોના સમયમાં પોલીસ કર્મચારીઓની સેવા, સફાઈ કર્મચારીઓની સેવા, તબીબી સેવા હોય કે પછી લશ્કરી સેવા હોય. માનવતાએ ક્યારેય ધર્મ જાતિ જોયા નથી અને તે એના જ કારણે સૌથી શક્તિશાળી મલમની જેમ આવી ઘણી દુખદ ઘટનાઓમાં એક આશાનું કિરણ જન્માવનારી બની જતી હોય છે. આવું જ કાંઈક હવે મોરબીની ઘટનામાં પણ બન્યું છે. મોરબીની ઘટનામાં નિરાધાર બનેલા બાળકો માટે જાણે સુરતના ઉદ્યોગપતિ વસંત ગજેરા એક આધાર બનીને સામે આવ્યા હોય તેવું સ્પષ્ટ જણાય છે.
જુઓ વસંત ગજેરાનો વીડિયો
ઉદ્યોગપતિ વસંત ગજેરાએ એક વીડિયો મારફતે આ અંગેની જાહેરાત કરી છે. આવો તેમના જ શબ્દોમાં તેમણે કરેલી જાહેરાતને સાંભળીએ…
વસંત ગજેરા કોણ છે
અમરેલીમાં જન્મેલા વસંત ગજેરા સુરતના એક જાણીતા ઉદ્યોગપતિ છે. તેઓ લક્ષ્મી ડાયમંડ અને ગજેરા ટ્રસ્ટના ફાઉન્ડર તરીકે ખાસ જાણીતા છે. તેઓ પ્રખર ધંધાદારી હોવાની સાથે સાથે કેટલીક સામાજીક જવાબદારીઓ સાથે પણ જોડાયેલા છે. તેમણે શાંતાબેન હરીભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ 9 કેમ્પસમાં શાળાઓ અને 19 કોલેજમાં 58000 જેટલા વિદ્યાર્થીઓ માટે સર્વાંગી શિક્ષણની પહેલ કરી છે. તેમણે લક્ષ્મી ડાયમંડ અને લક્ષ્મી ગ્રુપ ઓફ કંપની સાથે મળીને ગજેરા ટ્રસ્ટ દ્વારા સામાજિક સ્વાસ્થ્ય સંરક્ષણ માટેની ઘણી પ્રવૃત્તિઓ હાથ ધરી છે.
(વીથ ઈનપુટઃ સંજય રાઠોડ, સુરત)
ADVERTISEMENT